Legends League Cricket: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ઈન્ડિયા કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ગંભીરનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સ વચ્ચે રમાયેલી પ્રથમ એલિમિનેટર મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. સુરતમાં રમાયેલી આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સ તરફથી રમતા ગૌતમ ગંભીર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત વચ્ચે બોલાચાલી થઈ હતી. ગંભીરે શ્રીસંતના (S. Sreesanth) બોલ પર કેટલાક જોરદાર શોટ ફટકાર્યા હતા જેના કારણે ભારતીય ઝડપી બોલર ચિડાઈ ગયો હતો અને તેણે ગંભીર સામે આંખ મિલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગૌતમે પણ શ્રીસંતને જડબાતોડ જવાબ આપ્યો હતો. જો કે, બાદમાં શ્રીસંતે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે ગંભીરે લાઈવ મેચમાં આવી હરકતો ન કરવી જોઈએ.
ADVERTISEMENT
સ્ટેડિયમમાં ગંભીર-શ્રીસંત વચ્ચે બોલાચાલી
લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સની ટીમો આમને-સામને હતી. આ ઘટના મેચની બીજી ઓવરમાં બની જ્યારે ગૌતમ ગંભીર સ્ટ્રાઈક પર હતો. ઝડપી બોલર એસ શ્રીસંત તેની પ્રથમ ઓવર નાખતો હતો. ગંભીરે પ્રથમ બોલ બાઉન્ડ્રીની બહાર સિક્સર ફટકારી. આગળના બોલે ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનરે ચોગ્ગો ફટકાર્યો હતો.
આ પછી ડોટ બોલ રહ્યો હતો. આ પછી શ્રીસંત આગળ વધ્યો અને ગંભીર તરફ જોવા લાગ્યો. ગંભીરે પણ સામે શ્રીસંતને જડબાતોડ જવાબ આપ્યો. જો કે, મામલો વધુ આગળ વધ્યો નહીં અને બંને અહીં શાંત થઈ ગયા. જોકે ઓવર બાદ બંને વચ્ચે પિચ પર જ બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો ફેને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. શ્રીસંતે 3 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ લીધી હતી.
શ્રીસંતે સોશિયલ મીડિયા પર આ વાત કહી હતી
મેચ બાદ શ્રીસંતે સોશિયલ મીડિયા પર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો રીલીઝ કર્યો. જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે તેને વીરુ વગેરે જેવા વરિષ્ઠ ખેલાડીઓ માટે ઘણું સન્માન છે. તેણે કહ્યું કે, આ મારી ભૂલ નથી પરંતુ ક્રિકેટના મેદાન પર લાઈવ મેચમાં મિસ્ટર ફાઈટર એટલે કે ગૌતમ ગંભીર દ્વારા જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તે સહન કરવા યોગ્ય નથી. ભારતીય ટીમના ભૂતપૂર્વ પેસરે કહ્યું કે, આજે નહીં તો કાલે ગંભીરે શું કહ્યું તે સામે આવશે.
ગંભીરે 51 રનની ઇનિંગ રમી હતી
મેચની વાત કરીએ તો ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં ઈન્ડિયા કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 12 રનથી હરાવ્યું હતું. ગંભીરે 30 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી હતી. ઈન્ડિયા કેપિટલ્સે 7 વિકેટે 223 રન બનાવ્યા હતા. ક્રિસ ગેલની 84 રનની ઇનિંગ છતાં ગુજરાતની ટીમ જીત નોંધાવી શકી ન હતી. કેવિન ઓ’બ્રાયને 33 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. રસ્ટી થેરોન અને ઈશ્વર પાંડેએ બે-બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT