IND vs SA T20: રિંકુ-સૂર્યાની વિસ્ફોટક ઈનિંગ્સ એળે ગઈ, બીજી ટી-20માં સાઉથ આફ્રિકાની 5 વિકેટે જીત

Yogesh Gajjar

12 Dec 2023 (अपडेटेड: Dec 12 2023 7:05 PM)

India vs South Africa, IND vs SA T20I: ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ…

gujarattak
follow google news

India vs South Africa, IND vs SA T20I: ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ટોસ વિના રદ્દ કરવામાં આવી હતી. મંગળવારે બીજી મેચ પોર્ટ એલિઝાબેથમાં રમાઈ રહી હતી. જેને સાઉથ આફ્રિકાની ટીમે 5 વિકેટથી જીતી લીધી છે. આમ 3 મેચની સીરિઝમાં હાલ સાઉથ આફ્રિકન ટીમે 1-0ની લીડ મેળવી લીધી છે. સીરિઝની અંતિમ ટી-20 મેચ 14 ડિસેમ્બરે જોહનિસબર્ગમાં રમાશે.

વરસાદના વિધ્નવાળી આ મેચમાં દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 15 ઓવરમાં 152 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં યજમાન ટીમે માત્ર 13.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં રીઝા હેન્ડ્રીક્સે 27 બોલમાં 49 રનની ઈનિંગ રમી હતી. જ્યારે સુકાની એડન માર્કરામે 17 બોલમાં 30 રન બનાવ્યા હતા.

ભારતીય બોલર્સમાંથી મુકેશ કુમારને 2 સફળતા મળી હતી. જ્યારે મોહમ્મદ સિરાજને 1 અને કુલદીપ યાદવને 1 વિકેટ મળી હતી. અન્ય કોઈ બોલર્સને સફળતા મળી નહોતી.

રિંકુ સિંહે ટી20 કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી

આ પહેલા ભારતની બેટિંગમાં રિંકુ સિંહે 39 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 56 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. રિંકુએ 30 બોલમાં પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી.

સૂર્યકુમાર યાદવની પણ અડધી સદી
સૂર્યાએ મેચમાં 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. સૂર્યાએ પોતાની ઇનિંગમાં 3 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. જ્યારે રિંકુએ 2 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. સૂર્યાએ રિંકુ સિંહ સાથે મળીને ચોથી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ 3 વિકેટ લીધી છે.

આ સિવાય તિલક વર્માએ 20 બોલમાં 29 અને રવિન્દ્ર જાડેજાએ 14 બોલમાં 19 રન બનાવ્યા હતા. ભારત તરફથી બંને ઓપનર યશસ્વી અને શુભમન ગિલ 0 રને આઉટ થઈ ગયા હતા. સાઉથ આફ્રિકા માટે ગેરાલ્ડ કોત્ઝીએ 3.3 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી.

 

    follow whatsapp