Sania Mirza Divorce: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકના (Shoeb Malik) લગ્ન તૂટી ગયા છે. શનિવાર, 20 જાન્યુઆરીએ શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથેના લગ્નની તસવીરો શેર કરી હતી. આ તસવીરો સામે આવી ત્યારથી સાનિયાની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી હતી કારણ કે છૂટાછેડા ક્યારે થયા અને ક્યારે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો તે કોઈને ખબર ન હતી.
ADVERTISEMENT
સાનિયાના પિતાએ શું કહ્યું?
શનિવારે સાંજે જ સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ PTI સાથે વાત કરતા બધાની સામે શોએબ મલિકથી છૂટાછેડાનો ખુલાસો કર્યો હતો. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ પીટીઆઈને કહ્યું, “આ ‘ખુલા’ હતા, જેમાં મુસ્લિમ મહિલાને તેના પતિ સાથે એક તરફી રીતે છૂટાછેડા લેવાનો અધિકાર હોય છે.”
પરિવારે કરી સાનિયાના ડિવોર્સની પુષ્ટિ
સાનિયા મિર્ઝાના પરિવારે રવિવારે ભારતીય ટેનિસ સ્ટાર અને શોએબ મલિકના અલગ થવાની પુષ્ટિ કરી હતી. એક દિવસ પહેલા મલિકે અભિનેત્રી સના જાવેદ સાથે તેના બીજા લગ્નની જાહેરાત કરી હતી. બંને દેશોના રમતપ્રેમીઓમાં આ ‘હાઈ પ્રોફાઈલ’ કપલને લઈને ઘણો રસ હતો પરંતુ તેનો અંત તેમના છૂટાછેડા સાથે થયો.
મલિક (41 વર્ષ)એ શનિવારે સના સાથેના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાનિયાના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, “સાનિયાએ હંમેશા તેના અંગત જીવનને લોકોની નજરથી દૂર રાખ્યું છે. પરંતુ આજે તેના માટે એ જણાવવું જરૂરી બની ગયું છે કે તેના અને શોએબના થોડા મહિના પહેલા છૂટાછેડા થયા છે. તે શોએબને તેની નવી સફર માટે શુભેચ્છા પાઠવે છે.
નિવેદન અનુસાર, “તેમના જીવનના આ સંવેદનશીલ સમયગાળામાં, અમે તમામ ચાહકો અને શુભેચ્છકોને વિનંતી કરવા માંગીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અટકળોમાં સામેલ થવાથી દૂર રહે અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનું સન્માન કરે.
સાનિયા શોએબની બીજી પત્ની
સાનિયા શોએબ મલિકની બીજી પત્ની છે. અગાઉ તેણે ભારતની આયેશા સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા. 2010માં તેણે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા સાથે લગ્ન કર્યા. આઠ વર્ષ પછી બંને માતા-પિતા બન્યા. બંનેને એક પુત્ર છે, જેનું નામ ઇઝાન મિર્ઝા મલિક છે. હવે બંને લગ્નના 13 વર્ષ બાદ અલગ થઈ ગયા છે. હવે શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કરી લીધા છે. શનિવારે શોએબે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને આ વાતની પુષ્ટિ કરી હતી.
વર્ષ 2022 થી અંતર વધ્યું
2022માં પહેલીવાર શોએબ અને સાનિયા વચ્ચે વધતા અંતરના સમાચાર સામે આવ્યા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે શોએબે સાનિયાને દગો આપ્યો હતો. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે શોએબ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથે રિલેશનશિપમાં છે. શોએબ અને આયેશાની રોમેન્ટિક તસવીરો પણ સામે આવી હતી. જોકે, બાદમાં શોએબ અને આયેશા બંનેએ તેને માત્ર અફવા ગણાવી હતી. આ પછી શોએબે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક માહિતી હટાવી દીધી હતી. અગાઉ શોએબે તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું હતું – એથલીટ અને સુપરવુમન સાનિયા મિર્ઝાનો પતિ. ત્યારપછી શોએબે તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી આ માહિતી હટાવી દીધી હતી.
ADVERTISEMENT