India vs Bangladesh Test Series: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ભયાનક કાર અકસ્માત બાદ લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતા. જોકે, તેમણે IPL 2024માં શાનદાર વાપસી કરી અને પછી ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી. હવે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં પણ વાપસી કરવા માટે તૈયાર છે. સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશની સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાં ઋષભ પંત સામેલ થાય તેવી શક્યતાઓ છે. પરંતુ સવાલ એ છે કે જો ઋષભ પંત ટીમમાં સામેલ થાય છે તો તેઓ કોનું સ્થાન લેશે?
ADVERTISEMENT
ઋષભ પંતનો રહ્યો છે શાનદાર રેકોર્ડ
ઋષભ પંતે અત્યાર સુધીમાં 33 ટેસ્ટ મેચ રમી છે અને તેમણે 2271 રન બનાવ્યા છે. તેમના નામે 5 સદી અને 11 અડધી સદી પણ છે. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વના બેસ્ટ વિકેટકીપર્સમાંથી એક છે. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારત સિવાય તેમણે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં રન બનાવ્યા છે. તેમને પ્લેઈંગ-11માંથી બહાર રાખવા કોઈપણ ટીમ માટે મુશ્કેલ હશે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્મા શું નિર્ણય લે છે.
ડિસેમ્બર 2022માં ઋષભ પંતના ઈજાગ્રસ્ત થયા બાદથી ભારતે ઘણા વિકેટકીપરને ટ્રાય કર્યા છે. કે.એસ ભરત, ઈશાન કિશન, કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલે આ જવાબદારી નિભાવી છે. આમાંથી કે.એસ ભરતને હાલ તક મળવી મુશ્કેલ લાગી રહી છે. તેમણે પોતાની બેટિંગથી ટીમને ઘણી નિરાશ કરી છે. ઈશાન કિશને વેસ્ટ ઈન્ડિઝમાં સારું પ્રદર્શન કર્યું હતું અને કેએલ રાહુલે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં આ જવાબદારી સારી રીતે નિભાવી હતી. ધ્રુવ જુરેલને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તક મળી હતી. તેમણે સારું પ્રદર્શન કર્યું હતું.
જુરેલને બહાર બેસવું પડશે?
હવે સૌથી મોટો સવાલ એ છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય વિકેટકીપર કોણ હશે? જો રોહિત શર્મા ઋષભ પંતને પ્લેઇંગ-11માં સામેલ કરે છે તો શાનદાર પ્રદર્શન કરવા છતાં ધ્રુવ જુરેલને બહાર બેસવું પડશે. આ તેમની સાથે અન્યાય હશે. 3 મેચમાં 190 રન બનાવવા છતાં તેમને ટીમમાંથી બહાર થવું પડી શકે છે. જુરેલે ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેમણે 46, 90, 39* અને 15 રનની ઇનિંગ્સ રમી છે.
બાંગ્લાદેશ સામે પંતનો રેકોર્ડ
ઋષભ પંતે તેમની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમી હતી. તે જ મહિનાના અંતે તેમનો અકસ્માત થયો હતો. ઋષભ પંત હવે બાંગ્લાદેશ સામે જ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ ટીમ સામે તેમનો રેકોર્ડ પણ સારો છે. પંતે 2 ટેસ્ટની 3 ઇનિંગ્સમાં 46, 93, 9 રન બનાવ્યા છે. તેમણે 2 ટેસ્ટની 3 ઈનિંગ્સમાં કુલ 148 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની એવરેજ 49.33 રહી છે.
ADVERTISEMENT