ICC T20 વર્લ્ડ કપ 2024 ભારત માટે એક અવિસ્મરણીય ટૂર્નામેન્ટ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ચેમ્પિયન બન્યું છે. કેપ્ટન રોહિત શર્માએ 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં હારની નિરાશાનો અંત આણ્યો અને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું. ટૂર્નામેન્ટ સમાપ્ત થતાંની સાથે જ વિરાટ કોહલીએ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્મા અને પછી રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટને અલવિદા કહી દીધું. નિવૃત્તિ બાદ હવે જાડેજાએ તેની માતાનો સ્કેચ શેર કરતા દિલની વાત લખી છે.
ADVERTISEMENT
રવિન્દ્ર જાડેજા થયા ભાવુક
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્કેચ શેર કર્યો છે. જેમાં તે તેની માતા સાથે હાથમાં ટ્રોફી પકડીને જોવા મળે છે. આ પોસ્ટ કરતી વખતે જાડેજા ખૂબ જ ભાવુક નજરે પડ્યા. કારણ કે તેમની માતા હવે આ દુનિયામાં નથી. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મળેલ મેડલ અને હાથમાં ટ્રોફી પકડીને તેની માતાની બાજુમાં ઉભેલા તેનો સ્કેચ ખૂબ જ સુંદર છે. આ પોસ્ટ સાથે જાડેજાએ લખ્યું કે, 'હું મેદાન પર જે કંઈ કરું છું તે બધું મારી માતાના નામે છે.'
29 જૂન 2024ના રોજ ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રવિન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. લગભગ એક મહિના બાદ હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 2005માં જાડેજાની માતાનું અવસાન થયું હતું. તે સમયે જાડેજાની ઉંમર માત્ર 17 વર્ષની હતી. ત્યારે જાડેજા ભારત તરફથી અંડર-19 રમી રહ્યો હતો.
ADVERTISEMENT