- અનિરુદ્ધસિંહ જાડેજાએ પુત્ર રવિન્દ્ર અને પુત્રવધુ રિવાબા જાડેજા પર લગાવ્યા ગંભીર આરોપો.
- વિધાનસભા ચૂંટણી સમયે પણ જાડેજા પરિવારમાં વિખવાદ સામે આવ્યો હતો.
- વિવાદ બાદ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પોસ્ટથી ગુજરાતીમાં જવાબ આપ્યો હતો.
Ravindra Jadeja father Anirudh Interview: રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાના ઈન્ટરવ્યુ બાદ હવે જાડેજા પરિવારમાં વિખવાદ સામે આવ્યો છે. વાસ્તવમાં, અનિરુદ્ધ સિંહે આ ઈન્ટરવ્યુમાં તેમના પુત્ર રવિન્દ્ર જાડેજા અને તેમના ધારાસભ્ય પત્ની રિવાબા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
ADVERTISEMENT
જાડેજા પરિવારમાં વિખવાદ
જેણે સમગ્ર ઈન્ટરવ્યુને બકવાસ ગણાવ્યો હતો. પરંતુ જાડેજા પરિવારે રવિન્દ્રની પત્ની રીવાબા સામે મોરચો ખોલી દીધો છે. આ પહેલીવાર નથી જ્યારે જાડેજા પરિવારમાં આ રીતે વિખવાદ સામે આવ્યો હોય. વિધાનસભાની ચૂંટણી સમયે પણ સસરા અનિરુદ્ધસિંહ પુત્રવધુ રિવાબા વિરુદ્ધ પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તો નણંદ નયનાબાએ પણ રિવાબાનો વિરોધ કર્યો હતો.
વિધાનસભા ચૂંટણી સમયે થયો હતો ડખો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન, રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે ચૂંટણી દરમિયાન રવિન્દ્ર જાડેજાના પરિવારજનોએ રિવાબાના હરીફ કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હતો. તે દરમિયાન રવિન્દ્ર જાડેજાના પિતાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
ત્યારે રિવાબાના સસરા અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ સાથે છે, પાર્ટીને લગતી બાબતો પરિવારથી અલગ છે. આપણે આપણા પક્ષ સાથે જોડાયેલા રહેવું જોઈએ. હું વર્ષોથી તેમની સાથે જોડાયેલો છું. તેમણે રવિન્દ્ર જાડેજા વિશે પણ કહ્યું હતું કે, તે (રવીન્દ્ર જાડેજા) જાણે છે કે આ પાર્ટીનો મામલો છે, પરિવારમાં તેનાથી કોઈ વાંધો નથી.
રિવાબા જીત્યા હતા વિધાનસભાની ચૂંટણી
આ સાથે જ ચૂંટણી પ્રચાર દરમિયાન રિવાબા જાડેજાએ પણ કહ્યું હતું કે, ચૂંટણીને લઈને પરિવારમાં કોઈ સમસ્યા નથી. એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. ત્યારે રિવાબાએ એમ પણ કહ્યું હતું કે તેમને જામનગરની જનતામાં વિશ્વાસ છે, ભાજપ સારા માર્જિનથી જીતશે.
આ પછી રિવાબા એ ચૂંટણી જંગી સરસાઈથી જીત્યા હતા. તેમણે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નજીકના હરીફ કરસનભાઈ કરમૂરને હરાવ્યા હતા. ત્યારે રિવાબાને 88,835 વોટ મળ્યા હતા. જ્યારે કરસનભાઈને 35,265 મત મળ્યા હતા. રિવાબાના સસરાએ તે વખતે બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજાને ટેકો આપ્યો હતો. તેમને માત્ર 23,274 વોટ મળ્યા.
જાડેજાની બહેન નયનાબાનો પણ રિવાબા સાથે ઝઘડો
વર્ષ 2021માં જાડેજાની બહેન નયનાબાનો તેમના ભાભી રિવાબા સાથે વિવાદ થયો હતો. ત્યારે નયનાબા કોંગ્રેસના રાજકારણમાં સક્રિય હતા, જ્યારે રિવાબા ભાજપના રાજકારણમાં જોડાયા હતા. આ ઉપરાંત રિવાબા તે સમયે સૌરાષ્ટ્રની કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખ પદે હતા.
ત્યારે રાજકીય કાર્યક્રમના કારણે ભાભી અને નણંદ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારબાદ રિવાબા જાડેજાએ એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યા હતા, પરંતુ તેઓ પોતે યોગ્ય રીતે માસ્ક પહેર્યા ન હતા. આ અંગે નયનાબા જાડેજાએ ઝાટકણી કાઢી હતી અને બોલાચાલી થઈ હતી.
પિતાએ જાહેરમાં દીકરા સાથે સંબંધ ન હોવાનું કહ્યું
35 વર્ષીય જાડેજાએ એક દિવસ પહેલા (ગુરુવારે) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ કર્યા. દરમિયાન, શુક્રવારે તે અચાનક ચર્ચામાં આવી ગયો, જ્યારે તેના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ તેના વિશે ઘણી ચોંકાવનારી વાતો કહી. જાડેજાના પિતાએ તો ત્યાં સુધી કહી દીધું કે, તેમને તેમના પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રિવાબા સાથે કોઈ સંબંધ નથી.
પિતાનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ જાડેજાએ X પર પોસ્ટ કરીને પોતાનું મૌન તોડ્યું હતું. પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યુનો જવાબ આપ્યો છે. જાડેજાએ ઈન્ટરવ્યુમાં કહેવામાં આવેલી વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. સાથે જ એમ પણ કહ્યું કે, આ ઈન્ટરવ્યુ દ્વારા તેમના પત્ની રિવાબાની ઈમેજને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
‘પત્નીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ થયો’
જાડેજાએ X પર એક પોસ્ટ કરી અને સમગ્ર ઈન્ટરવ્યુને નકારી કાઢ્યો.જાડેજાએ ગુજરાતીમાં લખ્યું હતું કે, ‘દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત બકવાસ ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી દરેક વાત ખોટી અને અર્થહીન છે. માત્ર એક બાજુનો મુદ્દો બનાવવામાં આવ્યો છે, જેનો હું ખંડન કરું છું. મારી પત્નીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે અત્યંત નિંદનીય અને અભદ્ર છે. મારે પણ ઘણું કહેવું છે જે હું જાહેરમાં ન કહું તો સારું છે, આભાર.
આ પહેલા ભાસ્કરના ઈન્ટરવ્યુમાં તેના પિતા અનિરુદ્ધ સિંહે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હવે તેમનો (પુત્ર) સાથે કોઈ સંબંધ નથી. જો તેને ક્રિકેટર ન બનાવાયો હોત તો સારું હોત, તેમણે કહ્યું હતું કે, જાડેજાની પત્ની રિવાબા જાડેજાને માત્ર પૈસાની ચિંતા છે.
ADVERTISEMENT