Paris Olympics 2024 માં ભારતની મહિલા શૂટર મનુ ભાકર (Manu Bhakar) રેકોર્ડ બનાવ્યો છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. મનુ ભાકરે પહેલા 10 મીટર એર પિસ્તોલ મહિલા કેટેગરીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, હવે તેમણે ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહની સાથે મળીને વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુ ભાકરની આ સિદ્ધિ પર આજે આખો દેશ ખુશીઓથી ઝૂમી રહ્યો છે, પરંતુ મનુ ભાકર વધુ એક મેડલ જીતવાની તૈયારીમાં છે. ચાલો આ રિપોર્ટમાં જાણીએ કે મનુ ભાકર હવે ક્યારે અને કઈ મેચમાં મેડલ જીતવામાં દમ લગાવશે.
ADVERTISEMENT
28મી જુલાઈએ પહેલો મેડલ જીત્યો
28 જુલાઈના રોજ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક-2024માં પોતાનો પહેલો મેડલ જીત્યો હતો. આ જીત સાથે તેમણે પેરિસ ઓલિમ્પિક-2024માં ભારતનું ખાતું પણ ખોલ્યું હતું. મનુ ભાકર ઓલિમ્પિકમાં શૂટિંગની સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ પણ બન્યા. તેમણે 10 મીટર એર પિસ્તોલ મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આજે બીજો મેડલ જીત્યો
મનુ ભાકરે આજે પેરિસ ઓલિમ્પિક-2024માં પોતાનો બીજો મેડલ જીત્યો. તેમણે 10 મીટર એર પિસ્તોલની ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે આ સિદ્ધિ મેળવી. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ દક્ષિણ કોરિયાની ટીમને 16-10ના અંતરથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ મેડલ જીતીને મનુ ભાકર ઓલિમ્પિકની એક જ આવૃત્તિમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે.
2 મેડલ જીતનાર ખેલાડી
આ પહેલા પહેલવાન સુશીલ કુમાર અને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાનું કારનામું કર્યું હતું. પરંતુ તેમણે અલગ-અલગ એડિશનમાં આ મેડલ જીત્યા હતા. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ મેડલ અને 2012માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પીવી સિંધુએ 2016માં સિલ્વર મેડલ અને 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મનુ ભાકર હવે લગાવશે હેટ્રિક
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક-2024માં 3 ઈવેન્ટમાં ક્વોલિફાય કર્યું હતું. હવે તેઓ 2 ઓગસ્ટે 25 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં રમતા જોવા મળશે. આ મેચ 2 ઓગસ્ટે બપોરે 12.30 કલાકે રમાશે. મનુ ભાકરને આ ઈવેન્ટમાં મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો તેઓ આવું કરશે તો તે એક નવો રેકોર્ડ હશે.
ADVERTISEMENT