Paris Olympics 2024 : પેરિસ ઓલમ્પિક 2024માં આજે ભારતે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા. તો અભિષેકે એક ગોલ કર્યો. જણાવી દઈએ કે, ભારતે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું છે. હવે ભારત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું છે.
ADVERTISEMENT
ભારતીય પુરૂષ હોકી ટીમે પેરિસ ઓલમ્પિકમાં 2024માં પોતાની છેલ્લી ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું. 2 ઓગસ્ટે (શુક્રવાર) રમાયેલી મેચમાં ભારત તરફથી અભિષેક (18મી મિનીટ) અને કેપ્ટન હરમનપ્રીત સિંહે (13મી અને 33 મિનીટ) ગોલ ફેંક્યા. ત્યારે કાંગારૂ ટીમ તરફથી થૉમસ ક્રેગ (25મી મિનીટ) અને બ્લેક ગોવર્સે (55મી મિનીટ) સ્કોર કર્યા.
ઓલમ્પિકમાં વર્ષ 1972 બાદ પહેલીવાર હરાવ્યું
ભારતીય હોકી ટીમે 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને ઓલમ્પિક ગેમ્સમાં હરાવ્યું છે. 1972ના મ્યૂનિખ ઓલમ્પિક બાદ આ પહેલીવાર છે જ્યારે ભારતે ઓલમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. એટલે ભારતની કાંગારૂ ટીમ વિરૂદ્ધ આ જીત ઘણી ઐતિહાસિક રહી. જણાવી દઈએ કે, ભારતીય ટીમ પહેલા જ ક્વાર્ટર ફાઈલનમાં પહોંચી ચૂકી હતી.
આવી રહી ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ
ભારતીય ટીમે આ મેચના પ્રથમ ક્વાર્ટરમાં પ્રભુત્વ જમાવ્યું હતું અને બે ગોલ કર્યા હતા. પહેલા અભિષેકે ફિલ્ડ ગોલ કર્યો. આ ગોલ જવાબી હુમલાથી થયો. પહેલા લલિત ઉપાધ્યાયે ડીમાં પ્રવેશ કર્યો અને ઓસ્ટ્રેલિયન ડિફેન્સથી બચી ગયો. ત્યારબાદ અભિષેકે બોલને ચાર્ટરર તરફ ફ્લિક કરીને ગોલ કર્યો. ત્યારબાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતીય ટીમને 2-0થી આગળ કરી દીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ બીજા ક્વાર્ટરમાં પુનરાગમન કર્યું, જ્યારે થોમસ ક્રેગ પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરવામાં સફળ રહ્યો. ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ભારતને 3-1થી આગળ કરી દીધું હતું. છેલ્લો ક્વાર્ટર રોમાંચક રહ્યો, જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમે મેચમાં વાપસી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. બ્લેક ગોવર્સે પણ 55મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો, પરંતુ તે જીતવા કે બરાબરી કરવા માટે પૂરતો નહોતો.
ADVERTISEMENT