Jay Shah : BCCI સેક્રેટરી જય શાહની ICCના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. ICCએ સત્તાવાર રીતે આની જાહેરાત કરી છે. તેઓ ડિસેમ્બરથી ICCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. 35 વર્ષીય જય શાહ વર્તમાન ICC ચેરમેન ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. જય શાહે હવે BCCI સેક્રેટરીનું પદ છોડવું પડશે, જેને તેઓ 2019થી સંભાળી રહ્યા છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈના નવા સચિવ કોણ હશે તે મોટો પ્રશ્ન છે. તેની રેસમાં અનેક નામો સામે આવ્યા છે. ચાલો એક નજર કરીએ...
ADVERTISEMENT
જય શાહની બિનહરીફ વરણી
જય શાહ 27 ઓગસ્ટના રોજ ICCના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આ સાથે જ 35 વર્ષીય જય શાહ ICCનું નેતૃત્વ કરનાર સૌથી યુવા વ્યક્તિ બનશે. છેલ્લા કેટલાક સમયથી જય શાહના ICCના અધ્યક્ષ બનવાની ચર્ચાઓ ચાલી રહી હતી, જેના પર હવે મહોર લાગી ગઈ છે.
હવે ચર્ચામાં ચાલી રહ્યા છે આ નામો
પીટીઆઈ અનુસાર, કેટલાક નામ એવા છે જે બીસીસીઆઈના નવા સેક્રેટરી બનવાની રેસમાં છે.
રાજીવ શુક્લા: એવી સંભાવના છે કે BCCI હોદ્દાઓમાં ફેરબદલ કરી શકે છે અને વર્તમાન ઉપાધ્યક્ષ અને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાને એક વર્ષ માટે આ પદ મળી શકે છે. જોકે, રાજીવ શુક્લાને ચોક્કસપણે સેક્રેટરી બનવા સામે કોઈ વાંધો નહીં હોય.
આશીષ શેલારઃ મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા શેલાર BCCIના કોષાધ્યક્ષ અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) પ્રશાસનમાં મોટું નામ છે. જોકે, આશીષ શેલાર એક કુશળ રાજકારણી છે અને તેમણે પોતાનો સમય BCCI સેક્રેટરીના પદ માટે ફાળવવો પડશે. પરંતુ તેઓ પણ આ રેસમાં સામેલ થઈ શકે છે.
અરુણ ધૂમલઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષની પાસે બોર્ડ ચલાવવાનો અનુભવ છે. તેઓ કોષાધ્યક્ષ રહી ચૂક્યા છે અને ક્રિકેટ લીગના પ્રમુખ પણ છે.
જોઈન્ટ સેક્રેટરી દેવજીત સાયકિયા: આ કોઈ લોકપ્રિય નામ નથી, પરંતુ તેઓ વર્તમાન BCCI વહીવટમાં એક મહત્વપૂર્ણ કડી છે, જેમને પ્રમોટ પણ કરી શકાય છે.
રોહન જેટલીઃ દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના અધ્યક્ષ રોહન જેટલી અથવા બંગાળ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અવિશેક દાલમિયાના નામની ચર્ચા થઈ શકે છે.
ADVERTISEMENT