Nita Ambani in MI dressing room: IPL 2024ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 14માંથી માત્ર 4 મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સ એવી ટીમ છે જેણે અત્યાર સુધીમાં 5 ટાઈટલ જીત્યા છે. પરંતુ આ ટીમ આ સિઝનમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ લીગની છેલ્લી મેચમાં પણ જીતી શકી ન હતી અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટીમનો પરાજય થયો હતો. આવી સ્થિતિમાં, મેચ પછી ટીમના કો-ઓનર નીતા અંબાણી ટીમના ડ્રેસિંગ રૂમની અંદર ગયા, જેમની સ્પીચ હવે વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
સ્પીચમાં નીતા અંબાણીએ કહી મોટી વાત
નીતા અંબાણીએ મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમની અંદર એક ભાષણમાં કહ્યું કે, વાદળી અને સોનાની રંગની જર્સી પહેરવી એ સન્માનની વાત છે. આ સિઝન આપણા માટે ખરાબ રહી. આપણે જેવી યોજના બનાવી હતી તે પ્રમાણે આપણે કરી શક્યા નહીં. પરંતુ હું હજુ પણ મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી પ્રશંસક છું. માલિક તરીકે નહીં. મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરવી એ મારા માટે ગર્વની વાત છે અને ટીમ સાથે સંકળાયેલું હોવું એ એનાથી પણ મોટું સન્માન છે. મને લાગે છે કે હવે આપણે ક્યાં ભૂલો કરી છે તેની સમીક્ષા કરવી પડશે.
હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના નામ લીધા
નીતા અંબાણીએ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહનું નામ પણ લીધું હતું. તેમણે કહ્યું કે, મને લાગે છે કે દરેક ભારતીય તમારા માટે ઉત્સાહિત હતો અને તમને સર્વશ્રેષ્ઠ કહી રહ્યો હતો. આ સાથે તેમણે ચારેયને વર્લ્ડકપ ટીમમાં પસંદગી બાદ સારા પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.
તમને જણાવી દઈએ કે રોહિત શર્માને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ મેચ બાદ નીતા અંબાણી લાંબા સમય સુધી રોહિત શર્મા સાથે વાત કરતી જોવા મળ્યા હતા. બંને ખૂબ જ ગંભીર રીતે વાત કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. રોહિત શર્મા એવો કેપ્ટન છે જેણે IPL ઈતિહાસમાં સંયુક્ત રીતે 5 ટાઈટલ જીત્યા છે. તેને વર્ષ 2013ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જ્યારે રિકી પોન્ટિંગે ટીમની કમાન છોડી દીધી હતી. IPL 2024ની સિઝન રોહિત શર્મા માટે સારી રહી હતી. આ બેટ્સમેને 14 મેચમાં કુલ 417 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT