ઘુંટણની સર્જરી બાદ પહેલીવાર દેખાયો MS ધોની, એરપોર્ટ પર પૂર્વ ક્રિકેટરના દીકરા સાથે કરી ખાસ વાત

રાંચી: મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણની સર્જરી પછી 5 જૂને પ્રથમ વખત જાહેરમાં દેખાયો હતો. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. બંને એરપોર્ટ…

gujarattak
follow google news

રાંચી: મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણની સર્જરી પછી 5 જૂને પ્રથમ વખત જાહેરમાં દેખાયો હતો. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. બંને એરપોર્ટ પર મળ્યા હતા અને અહીં જ તેમની વાતચીત થઈ હતી. આ દરમિયાન ધોની સાથે તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા પણ હતા. તો કૈફ પણ પત્ની પૂજા અને પુત્ર કબીર સાથે મુસાફરી કરી રહ્યો હતો. ધોનીએ કૈફના પુત્ર કબીર સાથે ફૂટબોલ રમવા અંગે વાત કરી હતી. એમએસ ધોનીના ઘૂંટણનું ઓપરેશન પહેલી જૂને મુંબઈમાં થયું હતું. તે લાંબા સમયથી ઘૂંટણના દુખાવા સામે ઝઝૂમી રહ્યો હતો. આઈપીએલ 2023 દરમિયાન જોવા મળ્યું હતું કે મેચ બાદ તે ઘૂંટણ પર આઈસ પેક રાખતો હતો જેથી સોજો ન વધે. તે પહેલાની જેમ ઝડપી રન બનાવી શક્યો નહોતો.

ધોની સાથે ફોટો પોસ્ટ કરીને કૈફે શું કહ્યું?
સોશિયલ મીડિયા પર ધોની સાથેના બે ફોટા પોસ્ટ કરતા મોહમ્મદ કૈફે લખ્યું, ‘આજે અમે મહાન વ્યક્તિ અને તેમના પરિવારને એરપોર્ટ પર મળ્યા. સર્જરી બાદ તે ઘરે જઈ રહ્યા હતા. પુત્ર કબીર ઘણો ખુશ હતો કારણ કે ધોનીએ તેને કહ્યું હતું કે, તે પણ બાળપણમાં તેની જેમ ફૂટબોલ રમતો હતો. જલ્દી સાજા થાઓ. આગામી સિઝનના મળીશું ચેમ્પિયન.’ કૈફ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક તસવીરમાં તમામ લોકો એકસાથે હાજર છે જ્યારે બીજી તસવીરમાં ધોની અને કબીર સાથે છે.

ધોનીએ ઘૂંટણની સર્જરી ક્યાં કરાવી?
ઘૂંટણની સર્જરી કરાવતા પહેલા, ધોનીએ જાણીતા સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન ડૉ. દિનશા પારડીવાલાની સલાહ લીધી, જેઓ BCCI મેડિકલ પેનલમાં પણ છે. તેઓ રિષભ પંત સહિત ઘણા ભારતીય ક્રિકેટરોની સર્જરી કરી ચૂક્યા છે. આ પછી કોકિલાબેન હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન 1 જૂનની સવારે થયું હતું. આ પછી ધોનીને રજા આપવામાં આવી હતી. 29 એપ્રિલે IPL 2023નું ટાઇટલ જીત્યાના બે દિવસ બાદ તે અમદાવાદથી સીધો મુંબઈ ગયો હતો.

ધોની IPL 2024માં રમશે?
ધોની રાંચીમાં પોતાના ઘરે થોડા દિવસ આરામ કરશે. આ પછી રિહેબિલિટેશન શરૂ થશે. તે આગામી આઈપીએલ સીઝન રમવા માંગે છે. તે પહેલા તેની પાસે પૂરતો સમય છે. પાંચમી વખત IPL ટ્રોફી જીત્યા બાદ તેણે કહ્યું હતું કે, ‘જો આપણે સંજોગો પર નજર કરીએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે વિદાઈ લઈ રહ્યો છું પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કર્યા પછી પાછા આવવું અને વધુ એક સિઝન રમવી મુશ્કેલ છે. જો મારું શરીર મને પરવાનગી આપશે, તો હું રમીશ. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.

    follow whatsapp