મુંબઈ: IPL 2023ની આખી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ છવાયેલી રહી. ખાસ કરીને ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની. આ ટીમ જે પણ શહેરમાં રમવા માટે ગઈ, ત્યાં દરેક જગ્યાએ માત્ર ધોની-ધોનીનો જ અવાજ સાંભળવા મળ્યો. સીઝન પહેલા ધોનીની નિવૃત્તિને લઈને ખૂબ ચર્ચા થઈ રહી હતી. જોકે ધોનીએ અત્યાર સુધી નિવૃત્તિની અટકળો પર કોઈ ખાસ સ્પષ્ટતા કરી નથી. આ વચ્ચે ચૈન્નઈ સુપર કિંગ્સે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેણે ફેન્સના ધબકારા વધારી દીધા છે.
ADVERTISEMENT
ચેન્નઈ સુપરકિંગ્સે મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પર 33 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની ડ્રેસિંગ રૂમ તરફ જતા જોવા મળી રહ્યો છે અને સાથે તેની ક્રિકેટ રમતી તસવીરો પણ છે. વીડિયોના કેપ્શનમાં CSKએ લખ્યું, ઓહ કેપ્ટન, મારા કેપ્ટન.
આ વીડિયોએ ફેન્સની ચિંતા વધારી દીધી છે. એમને એવું લાગે છે કે ધોની જલ્દી જ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. ફેન્સ આ વીડિયો પર રિપ્લાય કરીને CSKને સવાલ કરી રહ્યા છે કે શું આ ધોનીની નિવૃત્તિ તરફનો ઈશારો છે? કેટલાક ફેન્સ આ વીડિયોથી અંદાજ લગાવી રહ્યા છે કે ધોની કદાચ કેપ્ટનશીપ છોડવાનો છે. ધોની IPLની પ્રથમ મેચ બાદથી ઘૂંટણમાં ઈજા થઈ હતી. એવામાં તે ઘૂંટણ પર પટ્ટો બાંધીને મેદાનમાં જોવા મળી રહ્યો હતો. IPL પૂરી થતા જ તે સીધો મુંબઈ ગયો અને ઓપરેશન કરાવ્યું હતું. તે બાદથી તેના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ સામે આવ્યું નથી.
નોંધનીય છે કે, IPL 2023ની ફાઈનલમાં જીત બાદ ધોનીએ પોતાની નિવૃત્તિને લઈને કહ્યું હતું કે હજુ સુધી તેને લઈને કોઈ નિર્ણય નથી કર્યો. તેણે કહ્યું હતું, જો પરિસ્થિતિઓને જોઈએ તો મારા માટે સન્યાસ લેવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. મારા માટે આ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે વિદાઈ લઈ રહ્યો છું, પરંતુ આગામી 9 મહિના આકરી મહેનત કરીને પાછા આવવું અને એક સીઝન રમવું મુશ્કેલ છે. શરીરે સાથે આપવો પડશે.
ADVERTISEMENT