Mumbai Indians captain Hardik Pandya: હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ (MI)નું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તેઓ સતત ત્રણ મેચમાં હારી ગયા છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ 7મી એપ્રિલ (રવિવાર)ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે.
ADVERTISEMENT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ મેચ પર તમામની નજર ટકેલી છે. આ મેચમાં સુકાની હાર્દિક પંડ્યાની હૂટિંગ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ હાર્દિકની હૂટિંગ કરવામાં આવી હતી. આટલું જ નહીં, જ્યારે હાર્દિક તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમવા આવ્યો ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોએ પણ તેની હૂટિંગ કરી હતી.
સૌરવ ગાંગુલીએ ચાહકોને શું અપીલ કરી?
મુંબઈ-દિલ્હી મેચ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સૌરવે પ્રશંસકોને અપીલ કરી છે કે હાર્દિકની હૂટિંગ ન કરો. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તે તેની ભૂલ નથી. સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ડાયરેક્ટર પણ છે.
'હાર્દિકને કેપ્ટન બનાવવો એ તેની ભૂલ નથી'
સૌરવ ગાંગુલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'મને નથી લાગતું કે ફેન્સે હાર્દિક પંડ્યાની હૂટિંગ કરવી જોઈએ. ફ્રેન્ચાઇઝીએ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. જ્યારે તમે કોઈ દેશ કે રાજ્યનું નેતૃત્વ કરો છો ત્યારે રમતગમતમાં આવું જ થાય છે. જો આપણે રોહિત શર્મા પર નજર કરીએ તો, ફ્રેન્ચાઇઝી તેમજ ભારત માટે કેપ્ટન અને ખેલાડી તરીકે તેનું પ્રદર્શન એક અલગ સ્તર પર રહ્યું છે. હાર્દિકની ભૂલ નથી કે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
2015થી 2021 સુધી હાર્દિક MIની ટીમનો હિસ્સો રહ્યો
IPL 2024ની હરાજી પહેલા ટ્રેડિંગ વિન્ડો દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હાર્દિક પંડ્યાને તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હાર્દિકે છેલ્લી બે IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2015માં હાર્દિકને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિક 2015, 2017, 2019 અને 2020માં IPL ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહ્યો છે. હાર્દિક 2021ની IPL સિઝન સુધી મુંબઈ સાથે રહ્યો હતો.
ADVERTISEMENT