IPL 2024 Hardik Pandya: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ હાર્દિક પંડ્યા પર એક મેચના પ્રતિબંધની સાથે 30 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની સિઝનની છેલ્લી મેચમાં સ્લો ઓવર રેટના કારણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્લો ઓવર રેટના કારણે MIની આ સિઝનની ત્રીજી ભૂલ છે, જેના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા પરનો આ પ્રતિબંધ IPL 2025ની પ્રથમ મેચમાં લાગુ થશે કારણ કે MI પાસે આ સિઝનમાં કોઈ મેચ બાકી નથી. હાર્દિક પંડ્યા ઉપરાંત BCCIએ ટીમના અન્ય ખેલાડીઓ પર પણ ભારે દંડ ફટકાર્યો છે.
ADVERTISEMENT
પ્રતિબંધ સાથે હાર્દિકને થયો લાખોનો દંડ
IPL દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, 'IPLની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ હેઠળ આ તેની ટીમનો ત્રીજો ગુનો હોવાથી પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ટીમની આગામી મેચમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટીમના અન્ય ખેલાડીઓને પણ દંડ
આ ઉપરાંત ઇમ્પેક્ટ પ્લેયર સહિત મુંબઈ ઇન્ડિયન્સની બાકીની પ્લેઇંગ ઇલેવનને વ્યક્તિગત રીતે રૂ.12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પહેલા રિષભ પંત પર લાગ્યો હતો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે, IPL 2024માં ધીમી ઓવર રેટના કારણે પ્રતિબંધનો સામનો કરનાર હાર્દિક પંડ્યા બીજા કેપ્ટન છે. આ પહેલા બીસીસીઆઈએ ધીમી ઓવર રેટના કારણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર પણ એક મેચ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધને કારણે પંત RCB સામે મહત્વની મેચ રમી શક્યો નહોતો.
ADVERTISEMENT