IPL Auction 2024: મંગળવારે યોજાયેલી મીની હરાજીમાં એક વિચિત્ર ડ્રામા જોવા મળ્યો અને પંજાબ કિંગ્સ (Punjab Kings) ખેલાડીને ખરીદવામાં ગંભીર ભૂલને કારણે હાસ્યનું પાત્ર બની ગયું. ફ્રેન્ચાઈજીએ નામમાં ભૂલને કારણે ઓક્શનમાં એક એવો ખેલાડી ખરીદી લીધો જેને તે લેવા માંગતી નહોતી. ભૂલનો અહેસાસ થતાં જ ટીમના માલિક નેસ વાડિયા અને પ્રીતિ ઝિંટાએ (Pretty Zinta) હરાજી કરનાર મલ્લિકા સાગરને આ અંગે જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં મામલો હાથમાંથી નીકળી ગયો હતો. પંજાબ કિંગ્સને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, હવે નિર્ણય બદલી શકાય નહીં.
ADVERTISEMENT
દુબઈમાં હરાજી દરમિયાન હરાજી કરનાર મલ્લિકા સાગર શશાંક સિંહનું નામ બોલી. 32 વર્ષીય શશાંક ઘરેલું ક્રિકેટમાં છત્તીસગઢ માટે રમે છે અને સનરાઇઝર્સ દ્વારા રિલીઝ કરાયા બાદ 2023ની IPL સિઝનમાં તે અનસોલ્ડ રહ્યો હતો. પરંતુ IPL 2024ની સીઝન આ ખેલાડી માટે લકી સાબિત થઈ અને ભૂલથી તે પંજાબ કિંગ્સનો ભાગ બનવામાં સફળ થયો. ટીમે શશાંકને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો.
શશાંક સિંહ પર બોલી લગાવનાર એકમાત્ર ટીમ રહી
રસપ્રદ વાત એ હતી કે પંજાબ કિંગ્સ એકમાત્ર ટીમ હતી જેણે અનકેપ્ડ ઓલરાઉન્ડર શશાંક માટે બોલી લગાવી હતી. હરાજી કરનાર મલ્લિકા સાગરે હેમર ડાઉન કરીને જેવી જ જાહેરાત કરી કે શશાંકને પંજાબ કિંગ્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે. તરત જ ભૂલનો અહેસાસ થતાં, નેસ વાડિયા અને પ્રીતિ ઝિંટાએ હરાજી કરનારને કહ્યું કે, તેઓ કોઈ અન્ય ખેલાડીને શશાંક સમજી બેઠા હતા અને ભૂલથી આ ખેલાડીને ખરીદ્યો હતો. પરંતુ હરાજી કરનારે સ્પષ્ટ કહ્યું હતું કે, આ નિર્ણય હવે બદલી શકાય નહીં અને પંજાબની ફ્રેન્ચાઇઝી પોતાના નિર્ણયથી પીછે હઠ નહીં કરી શકે. નેસ અને પ્રીતિ ઝિન્ટા બોલી પાછી ખેંચવા માગતા હતા પરંતુ નિયમો મુજબ હેમર ડાઉન થયા પછી તે કરી શકાતું નથી.
શશાંક સિંહનું પ્રદર્શન
શશાંક સિંહની વાત કરીએ તો અત્યાર સુધી તેણે 55 T20 મેચમાં 20.11ની એવરેજથી 724 રન બનાવ્યા છે અને 28.93ની એવરેજથી 15 વિકેટ લીધી છે. લિસ્ટ A મેચોમાં 41.08ની એવરેજથી 986 રન બનાવવા ઉપરાંત તેણે 28.06ની એવરેજથી 33 વિકેટ પણ લીધી છે.
ADVERTISEMENT