Indian T20I Team: ભારતીય ક્રિકેટ ટીમને શ્રીલંકા પ્રવાસથી T20 ફોર્મેટમાં નવો કાયમી કેપ્ટન મળી શકે છે. પરંતુ હાર્દિક પંડ્યાને આ જવાબદારી નહીં મળે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર આ ઓલરાઉન્ડરની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવી શકે છે. તેને આ જવાબદારી 2026ના T20 વર્લ્ડ કપ સુધી મળવાની આશા છે. ટી20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક ભારતનો વાઇસ કેપ્ટન હતો. અગાઉ, તે 2022 ટી20 વર્લ્ડ કપ પછી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની નિવૃત્તિ બાદ હાર્દિકને નવા કેપ્ટન તરીકે ગણવામાં આવી રહ્યો હતો પરંતુ હવે તે પાછળ છૂટતો હોય તેવું લાગી રહ્યું છે. સમાચાર એજન્સી PTIએ આ અહેવાલ આપ્યો છે.
ADVERTISEMENT
ગંભીર-અગરકરે હાર્દિક સાથે વાત કરી?
PTIએ લખ્યું છે કે, ગંભીર અને અગરકર બંનેએ કેપ્ટન બનાવવાની યોજનામાં ફેરફારને લઈને પંડ્યા સાથે 16 જુલાઈની સાંજે વાત કરી હતી. તેને સમજાવવામાં આવ્યું કે, સ્થિરતા પ્રદાન કરવા માટે લાંબા ગાળાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે.
એક સૂત્રને ઉલ્લેખીને લખાયું છે કે, રોહિત શર્માના કાર્યકાળ દરમિયાન હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હતો. તે સંપૂર્ણપણે ફિટ છે અને ત્રણ મેચની T20 શ્રેણી માટે ઉપલબ્ધ છે. તે કેપ્ટનશીપ સંભાળવાનો હતો પરંતુ એવી પ્રબળ સંભાવના છે કે સૂર્યા માત્ર શ્રીલંકા શ્રેણીમાં જ નહીં પરંતુ 2026ના T20 વર્લ્ડ કપ સુધી પણ સંભવિત કેપ્ટન હશે.
કેવી રીતે સૂર્યા કેપ્ટનશિપની રેસમાં આગળ આવ્યો
જ્યારથી સૂર્યા ભારતીય ટીમમાં જોડાયો છે ત્યારથી તે T20 ફોર્મેટમાં સૌથી શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. જૂનમાં T20 વર્લ્ડ કપ સુધી તે આ ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન હતો. ઉપરાંત, તેણે નવેમ્બર-ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું. ભારતે આ બંને શ્રેણી જીતી હતી. ગંભીર અને સૂર્યા આ પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે. જ્યારે ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો ત્યારે સૂર્યા તેની સાથે રમતો હતો. તેણે જ આ બેટ્સમેનને 'SKY' ઉપનામ આપ્યું હતું.
ADVERTISEMENT