India vs Pakistan, Asia Cup 2023: ભારતે પાકિસ્તાન સામેની સુપર-4 મેચમાં ઐતિહાસિક 228 રનથી જીત મેળવીને શાનદાર શરૂઆત કરી છે. આ મેચમાં, પાકિસ્તાનની ઇનિંગ્સમાં 21મી ઓવર દરમિયાન, બેટ્સમેન સલમાન અલી આગા જાડેજાના બોલ પર સ્વીપ શોટ રમવાની કોશિશમાં ઘાયલ થયો હતો. બોલ સલમાનના બેટ સાથે અથડાયો અને સીધો તેના ચહેરા પર વાગ્યો, જેના કારણે તેની આંખ નીચેથી લોહી નીકળવા લાગ્યું.
ADVERTISEMENT
સ્વીપ શોટ મારતા બેટરને નીકળ્યું લોહી
આ દરમિયાન સલમાન અલી આગા ખૂબ જ દર્દમાં જોવા મળ્યો પરંતુ આ દરમિયાન ભારતીય વિકેટકીપર લોકેશ રાહુલ તરત જ તેની પાસે ગયો અને બ્લીડિંગ રોકવાનો પ્રયાસ કર્યો. રાહુલે આ કાર્યથી ચોક્કસપણે ફેન્સનું દિલ જીતી લીધું છે. સલમાનની ઈજા બાદ ફિઝિયોએ તેને જરૂરી સારવાર આપી હતી.
કુલદીપ યાદવે બનાવ્યો સલમાનને શિકાર
ગેમ ફરી શરૂ થયા બાદ સલમાને હેલ્મેટ પહેરીને રમવાનું શરૂ કર્યું. જો કે તે બેટથી કોઈ ખાસ કરવામાં સફળ થઈ શક્યો નહોતો. સલમાનને કુલદીપ યાદવના 23 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.
કે.એલ રાહુલનું સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક
કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ આ મેચ દ્વારા લગભગ 6 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. પાકિસ્તાન સામેની આ મહત્વપૂર્ણ મેચમાં પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારીને તેણે પોતાની ફિટનેસ પણ બધાને સાબિત કરી દીધી. આ પછી, રાહુલે ફિલ્ડિંગ દરમિયાન વિકેટકીપિંગની જવાબદારી નિભાવતા શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેણે મોહમ્મદ રિઝવાનનો શાનદાર કેચ પણ લીધો. હવે ભારતીય ટીમ સુપર-4માં તેની આગામી મેચ 13 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમશે.
ADVERTISEMENT