IND vs ENG Score 3rd Test Day: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજથી રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિવસની રમતના અંત સુધીમાં ટીમે 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવી લીધા હતા.
ADVERTISEMENT
રોહિત શર્મા અને જાડેજાએ સદી ફટકારી
મેચના પહેલા દિવસે રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જ્યારે સરફરાઝ ખાને ડેબ્યૂ કરતી વખતે બેઝબોલ રમત રમતા 48 બોલમાં પોતાની ડેબ્યૂ ફિફ્ટી ફટકારી હતી. તે 66 બોલમાં 62 રન બનાવીને રનઆઉટ થયો હતો. જ્યારે જાડેજાએ કરિયરની ચોથી સદી 198 બોલમાં ફટકારી હતી.
હાલમાં જાડેજા 110 અને કુલદીપ યાદવ 1 રન બનાવીને અણનમ છે. હવે આ બંને બીજા દિવસની રમત શરૂ કરશે. જ્યારે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર માર્ક વૂડે શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિનર ટોમ હાર્ટલીને 1 સફળતા મળી હતી.
રોહિતે તેની 11મી સદી ફટકારી હતી
આ ઈનિંગ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ પોતાની 11મી સદી ફટકારી હતી, જે 10 ઈનિંગ્સ બાદ આવી હતી. રોહિત શર્માની છેલ્લી ટેસ્ટ સદી જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી. રોહિત બ્રિગેડની ત્રણ વિકેટ ખૂબ જ ઝડપથી પડી ગઈ હતી.
ભારતની ઝડપી શરૂઆત બાદ, ફટાફટ વિકેટો પડી
ભારતે ઇંગ્લેન્ડની જેમ બેઝબોલ અંદાજે ઇનિંગની શરૂઆત કરી. પરંતુ ત્યારબાદ એક પછી એક વિકેટો પડવા લાગી. ભારતને પહેલો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો, જે 10 રને માર્ક વૂડના બોલ પર જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી, શુભમન ગિલ પણ 0 પર માર્ક વુડનો શિકાર બન્યો. ત્યારબાદ રજત પાટીદાર પણ 5 રન બનાવીને આઉટ થયો હતો.
આ પછી રોહિત અને જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી થઈ હતી. રોહિત શર્મા 131 રન બનાવીને માર્ક વુડના બોલ પર આઉટ થયો હતો. જ્યારે રોહિત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 237 રન હતો.
ADVERTISEMENT