IND vs SL, Ravi Bishnoi: સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 મેચમાં શ્રીલંકાને 43 રને હરાવીને શ્રેણીની શાનદાર શરૂઆત કરી હતી. ભારતની જીતનો હીરો ખુદ કેપ્ટન સૂર્યા હતો, જેણે 26 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમી હતી, પરંતુ લેગ સ્પિનર રવિ બિશ્નોઈ વધુ ચર્ચામાં છે. આખી દુનિયા તેને સલામ કરી રહી છે. આંખ નીચે ઈજા હોવા છતાં બિશ્નોઈ મેદાન છોડ્યું નહોતું અને ટીમ સાથે મેદાનમાં રહ્યો હતો. ભારતીય બોલરે ઈજાગ્રસ્ત થયા બાદ હલચલ મચાવી દીધી હતી.
ADVERTISEMENT
શ્રીલંકાની ઇનિંગ્સની લગભગ 16મી ઓવરની વાત છે, કામિંડુ મેન્ડિસ અને કેપ્ટન ચરિથ અસલંકા મેદાન પર હતા, જેઓ શ્રીલંકાને જીત અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ભારતે શ્રીલંકાને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. છેલ્લી પાંચ ઓવરમાં જીતવા માટે 65 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં, બિશ્નોઈ બોલિંગમાં આવ્યો અને તેણે આ ઓવરનો પહેલો બોલ, એક ગુગલી ફેંક્યો, જેને મેન્ડિસે બોલર તરફ શોટ માર્યો.
આંખ હેઠળ ઈજા પહોંચી
બિશ્નોઈએ ડાઈવ કરીને તેનો બોલ પકડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લાંબી ડાઈવ મારી પરંતુ નીચે પછડાતા બોલ તેના હાથમાંથી છૂટીને આંખની નીચેના ભાગે વાગ્યો હતો. જેના કારણે તેને આંખની નીચે લોહી આવવા લાગ્યું હતું. આ પછી મેદાન પર તેની ઈજાની તપાસ કરવામાં આવી હતી. તેની આંખ નીચે એક મોટો કટ હતો, પરંતુ તેમ છતાં તે મેદાનની બહાર ગયો ન હતો અને કટ પર ટેપ લગાવ્યા બાદ તે ફરીથી બોલિંગ કરવા તૈયાર થઈ ગયો.
શ્રીલંકાના કેપ્ટને શિકાર કર્યો હતો
જો કે આ પછી મેન્ડિન્સે આગામી બે બોલ પર બિશ્નોઈને બે ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ છેલ્લા બોલ પર ભારતીય બોલરે શ્રીલંકાના કેપ્ટન અસલંકાને ડીપ સ્ક્વેર લેગ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અસલંકા પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ પછી રેયાન પરાગ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરીને શ્રીલંકાની આખી ટીમને 19.2 ઓવરમાં 170 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. બિશ્નોઈએ ચાર ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી. જ્યારે પરાગે 1.2 ઓવરમાં પાંચ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય અર્શદીપ સિંહ, અક્ષર પટેલને બે-બે અને મોહમ્મદ સિરાજને એક સફળતા મળી હતી.
ADVERTISEMENT