અમદાવાદ: વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મહામુકાબલો થવાનો છે. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ નવરાત્રિના પ્રથમ દિવસે યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીએ BCCI પાસે કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી છે. જોકે આ હાઈ પ્રોફાઈલ મેચ માટે અગાઉથી હોટલો અને ફ્લાઈટનું બુકિંગ કરનારા ફેન્સ હવે ચિંતામાં મૂકાયા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં મેચ સમયે તમામ હોટલોનું બુકિંગ ફૂલ
વર્લ્ડકપના શિડ્યુલની જાહેરાત બાદ અમદાવાદમાં હોટલોનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. અમદાવાદમાં હોટેલના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ઘણી જગ્યાએ હોટલના રેટ 1 લાખ સુધી પહોંચી ગયા હતા તો અમદાવાદની ફ્લાઈટનું ભાડું પણ 21 હજાર સુધી પહોંચી ગયું હતું. જેનું ઘણા ફેન્સે બુકિંગ કરાવી નાખ્યું હતું. હવે વાત આવી રહી છે કે મેચ 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે, એવામાં પહેલાથી બુકિંગ કરનારા ફેન્સ હવે ટેન્શનમાં આવી ગયા છે. જોકે મેચની તારીખની જાહેરાત હજુ BCCI તરફથી કરવામાં આવી નથી. એવામાં ફેન્સને ચોક્કસ તારીખની જાહેરાત બાદ જ યોગ્ય નિર્ણય લેવા સૂચન અપાય છે.
હકીકતમાં રિપોર્ટ્સ મુજબ, બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતા કહ્યું કે, “અમને સુરક્ષા એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઈલ મેચો, જેના માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચે તેવી અપેક્ષા છે. તેને નવરાત્રિના કારણે ટાળવું જોઈએ. અમે અમારી પાસે જે વિકલ્પો છે તેના પર વિચાર કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.”
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ મુજબ, નવરાત્રિના કારણે સુરક્ષા એજન્સીઓએ BCCI પાસે ભારત-પાકિસ્તાન મેચના શેડ્યૂલને બદલવાની માંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં ગરબા નાઈટ્સ સાથે નવરાત્રીની ઉજવણી મોટા પાયે કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈ પાસે ફેરફારની માંગ કરી છે.
ADVERTISEMENT