Mrinank Singh: હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરની છેતરપિંડીની પ્રવૃત્તિઓથી દરેક વ્યક્તિ પરિચિત છે. તાજેતરનો મામલો ભૂતપૂર્વ IPL ક્રિકેટર સાથે સંબંધિત છે, જેણે સુકેશની જેમ ફાઇવ સ્ટાર હોટલ, લોકો અને ક્રિકેટર ઋષભ પંત સાથે લાખો અને કરોડોની છેતરપિંડી કરી હતી. મૃણાંકની આ છેતરપિંડી લાંબો સમય ન ચાલી અને 25મી ડિસેમ્બરે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. સોશિયલ માડિયા પર આરોપી મૃણાંક સિંહની વૈભવી લાઈફ સ્ટાફલના ઘણા વીડિયો જોવા મળે છે, જેમાં તે દુબઈમાં મોંગી કાર અને બોટમાં મોજ મસ્તી કરતા દેખાય છે.
ADVERTISEMENT
હરિયાણાના ફરીદાબાદના રહેવાસી આરોપી મૃણાંક સિંહે અંડર-19 સ્તરે રાજ્યની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો પણ દાવો કર્યો છે.
મહિલાઓને પણ છેતરી
આરોપી મૃણાંક સિંઘે પોતાને સીનિયર IPS અધિકારી તરીકે દર્શાવીને દેશભરમાં અનેક લક્ઝરી હોટેલ માલિકો/મેનેજરો સાથે છેતરપિંડી કરી હતી. ઋષભ પંતનું નામ પણ તેની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોમાં સામેલ છે. આરોપીએ વિવિધ ફાઇવ સ્ટાર હોટલ અને રિસોર્ટ સાથે છેતરપિંડી કરવા માટે વરિષ્ઠ IPS અધિકારી તરીકે ઓળખાણ આપી હતા. પોલીસે જણાવ્યું હતું કે, તેણે IPL ફ્રેન્ચાઇઝીના ખેલાડી તરીકે ઓળખ આપી હતી અને મહિલાઓને છેતરવા માટે વૈભવી જીવનશૈલીની સાથે તેના “સ્ટારડમ”નો ઉપયોગ કર્યો હતો.
પંતને આ રીતે છેતરવામાં આવ્યા હતા
આટલું જ નહીં તેણે ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે પણ છેતરપિંડી કરી છે. તેણે 2020-2021માં પંત સાથે 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃણાંકે પંતને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો અપાવવાની લાલચ આપી હતી. આ કારણે રિષભ પંતના મેનેજરે પણ ફરિયાદ નોંધાવી હતી. પંત સાથે છેતરપિંડી કરતા પહેલા, મૃણાંકે પોતાને લક્ઝરી ઘડિયાળો, બેગ અને જ્વેલરીનો બિઝનેસમેન બતાવ્યો હતો જે તેની લક્ઝરી વસ્તુઓ સસ્તા ભાવે વેચતો. ઋષભનો વિશ્વાસ જીતવા માટે તેણે અનેક જુઠ્ઠાણાઓ કહ્યા હતા. આ વસ્તુઓ અન્ય ક્રિકેટરોને પણ ડિસ્કાઉન્ટ રેટ પર વેચી છે.
શોરૂમમાં પણ તોડફોડ કરી હતી
સિંઘે પોતાની જાતને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ બ્રાન્ડના એમ્બેસેડર તરીકે દર્શાવ્યો હતો અને સ્પોર્ટ્સ સંબંધિત શોરૂમમાં પણ છેતરપિંડી કરી હતી. આરોપી સિંહે એવો પણ દાવો કર્યો હતો કે તેના ઘણા ભારતીય ક્રિકેટરો સાથે નજીકના સંબંધો છે. 22 ઓગસ્ટ, 2022 ના રોજ, મધ્ય દિલ્હીની એક ફાઇવ-સ્ટાર હોટલના સુરક્ષા નિર્દેશક તરફથી ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સિંહે પોતાને ક્રિકેટર બતાવ્યો હતો અને 22-29 જુલાઈ, 2022 સુધી હોટલમાં રોકાયો હતો.
ફાઈવસ્ટાર હોટલમાં લાખોનું બિલ ભર્યું નથી
તે 5,53,362નું બિલ ચૂકવ્યા વગર હોટલમાંથી ભાગી ગયો હતો. જ્યારે હોટલના એક અધિકારીએ તેને બિલ ચૂકવવાનું કહ્યું ત્યારે આરોપી કહ્યું કે, બિલ તેની સ્પોન્સરિંગ કંપની ચૂકવશે. આ પછી હોટેલે તેને તેની બેંક વિગતો આપી પરંતુ આરોપીએ હોટલમાં મોકલેલા 2 લાખ રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો UTR નંબર નકલી નીકળ્યો. આ પછી હોટેલે સિંહ અને તેના મેનેજર ગગન સિંહનો સંપર્ક કર્યો.
એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી દિલ્હી) રવિકાંત કુમારે જણાવ્યું હતું કે, સિંહે હોટલને કહ્યું હતું કે તે તેના ડ્રાઈવરને રોકડ સાથે મોકલી રહ્યો છે પરંતુ કોઈ આવ્યું નહીં. બાકી નીકળતી રકમ ભરવા માટે તેનો ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેણે ખોટા વચનો આપ્યા હતા અને દર વખતે હોટલને ખોટી માહિતી આપી હતી. ત્યારબાદ, ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન તેના સરનામા પર નોટિસ મોકલવામાં આવી હતી પરંતુ તે તે સરનામે મળી આવ્યો ન હતો. પોલીસે જણાવ્યું કે તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો અને તેની મોટાભાગની વાતચીત સોશિયલ મીડિયા પર જ થતી હતી. તેના પરિચિતો કહેતા હતા કે, તે ભારતમાં નહીં પણ દુબઈમાં સ્થાયી થયો છે. આ પછી, તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.
કસ્ટડીમાં હોવા છતાં પોલીસને ચકમો આપવાનો પ્રયાસ
મૃણાક સિંહની સોમવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે હોંગકોંગ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ કસ્ટડી દરમિયાન સિંહે વરિષ્ઠ IPS અધિકારી હોવાનો ઢોંગ કરીને તપાસ અધિકારીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પૂછપરછ દરમિયાન, તેણે ખુલાસો કર્યો હતો કે તેણે IPL ટીમનો ક્રિકેટર હોવાનો ઢોંગ કરીને ઘણા લક્ઝરી રિસોર્ટ/હોટલમાંથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, તેના મોબાઈલ ફોનની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘણા લોકો તેની છેતરપિંડીનો ભોગ બન્યા હતા. સિંઘને બે દિવસ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે તે મુંબઈ (મહારાષ્ટ્ર), હરિયાણા અને પંજાબમાં છેતરપિંડીના ત્રણ કેસમાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT