Asia Cup 2023: ભારતીય ટીમની એશિયા કપના સુપર-4માં એન્ટ્રી, હવે આ દિવસે ફરી પાકિસ્તાન સાથે ટક્કર

India vs Nepal, Asia Cup 2023: એશિયા કપ 2023 માટે સુપર-4 ટીમો નક્કી થઈ ગઈ છે. ગ્રુપ-Aમાંથી પાકિસ્તાન બાદ ભારતીય ટીમ પણ ક્વોલિફાય થઈ ગઈ…

gujarattak
follow google news

India vs Nepal, Asia Cup 2023: એશિયા કપ 2023 માટે સુપર-4 ટીમો નક્કી થઈ ગઈ છે. ગ્રુપ-Aમાંથી પાકિસ્તાન બાદ ભારતીય ટીમ પણ ક્વોલિફાય થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ એશિયા કપમાં સોમવારે (4 સપ્ટેમ્બર) નેપાળ સામે તેની બીજી મેચ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે 10 વિકેટથી જીત મેળવીને સુપર-4માં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે હવે ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી મેચ પણ જોવા મળશે. આ મેચ 10 સપ્ટેમ્બરે હંબનટોટામાં રમાશે. જ્યારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે હંબનટોટામાં જ રમાશે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ અને નેપાળ વચ્ચેની આ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં નેપાળની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 230 રન બનાવ્યા હતા. ટીમ માટે આસિફ શેખે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. તેણે 58 રન બનાવ્યા હતા. જ્યારે સોમપાલ કામીએ 48 રનની ઇનિંગ રમી હતી.

ડકવર્થ લુઈસ નિયમથી 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો

231 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 2.1 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 17 રન બનાવી શકી હતી, ત્યારબાદ વરસાદને કારણે રમત રોકી દેવામાં આવી હતી. વરસાદના કારણે ઘણો સમય વેડફાયો હતો. ત્યારબાદ ડકવર્થ લુઈસ નિયમનો ઉપયોગ કરીને ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

ભારતે 0 વિકેટે 147 રન બનાવ્યા

જવાબમાં ભારતીય ટીમે 20.1 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે મેચમાં 59 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ પણ 62 બોલમાં 67 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ

એશિયા કપ 2023માં ભારતીય ટીમે શનિવારે (2 સપ્ટેમ્બર) પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમી હતી. પરંતુ પલ્લેકેલે સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચ વરસાદને કારણે ડ્રો થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. મેચમાં માત્ર ભારતીય ટીમ જ બેટિંગ કરી શકી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ટીમે 266 રન બનાવ્યા હતા. ઈશાને 81 બોલમાં 82 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર પંડ્યાએ 90 બોલમાં 87 રન બનાવ્યા હતા. આ પછી, એટલો ભારે વરસાદ પડ્યો કે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી શકી નહીં અને મેચ રદ કરવી પડી.

    follow whatsapp