IND vs PAK Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં રવિવારે રમાયેલી મેચમાં વરસાદનું વિધ્ન નડ્યું હતું. જે બાદ મેચને આજે સોમવારે રિઝર્વ ડે પર ખસેડવામાં આવી છે. 3 વાગ્યે મેચ શરૂ થવાની છે. જોકે મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે ફરી ખરાબ સમાચાર આવ્યા છે. કોલંબોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે આખું મેદાન કવર કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
કોલંબોનું મેદાન ફરી કવર કરાયું
મેચ શરૂ થવાની 90 મિનિટ પહેલા ભારે વરસાદ થયો હતો. જેના કારણે મેદાનને ફરી ઢાંકી દેવામાં આવ્યું છે. વરસાદના કારણે કોલંબોમાં સમયસર મેચ શરૂ થવાની શક્યતા ઘટી ગઈ છે. મેદાન પર હજુ કવર્સ ઢાંકેલા છે, જોકે વરસાદ બંધ થયો છે એવામાં કવર્સ ક્યારે હટશે તેના પર ફેન્સની ખાસ નજર રહેશે. ગઈકાલે વરસાદના કારણે મેદાન પર પાણી ભરાતા જમીન પોચી થઈ ગઈ હતી. એવામાં ઈજાની સંભાવના વધી જતા મેચ શરૂ થઈ શકી નહોતી.
જો આજે ફરી મેચ શરૂ થશે તો રવિવાર ભારતની ઈનિંગ્સ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. એટલે કે ભારતની બેટિંગ 24.1 ઓવરે 147 રનમાં બે વિકેટથી શરૂ થશે. આખી મેચ 50 ઓવરની રમાડવામાં આવશે. આ પછી પાકિસ્તાન પણ 50 ઓવર રમશે. જોકે કોલંબોમાં આજે પણ મેચ દરમિયાન વરસાદની પૂરી સંભાવના છે. સાંજે 5 વાગ્યા આસપાસ 80 ટકા વરસાદની સંભાવના છે.
ફાઈનલમાં પહોંચવા માટે ભારતનું સંપૂર્ણ સમીકરણ
ટીમ ઈન્ડિયાની કિસ્મત તેના પોતાના હાથમાં છે અને ટીમ ફાઈનલની સૌથી મોટી દાવેદાર હોવાનું કહેવાય છે. જો રિઝર્વ ડે પણ વરસાદને કારણે ધોવાઈ જાય તો ભારત અને પાકિસ્તાન બંનેને એક-એક પોઈન્ટ મળશે. આ સાથે પાકિસ્તાન 3 પોઈન્ટ સાથે સુપર 4 ટેબલમાં ટોપ પર પહોંચી જશે. કારણ કે ટીમ બાંગ્લાદેશ સામે જીતી ચૂકી છે. તે જ સમયે, શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે પણ જીત મેળવી છે અને ટીમ 2 પોઈન્ટ પર છે. આવી સ્થિતિમાં ભારતે તેની આગામી બે મેચો એટલે કે બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા આ બંને મેચ જીતે છે તો ટીમના કુલ 5 પોઈન્ટ થઈ જશે.
પરંતુ જો ટીમ આ બેમાંથી એક મેચ હારે અથવા વરસાદને કારણે મેચ રદ્દ થાય તો ટીમના માત્ર 3 પોઈન્ટ રહેશે. આવી સ્થિતિમાં ભારત માટે ફાઈનલ માટે ક્વોલિફાય કરવું ઘણું મુશ્કેલ હશે. કારણ કે અંતે બધું અન્ય ટીમો પર નિર્ભર રહેશે અને ભારતે નેટ રન રેટ અને અન્ય ટીમોની હાર માટે પ્રાર્થના કરવી પડશે.
જો ભારત શ્રીલંકા સામે હારે અને બાંગ્લાદેશને હરાવે તો ટીમને 3 પોઈન્ટ મળશે. જો આમ થશે તો ભારતે ફરીથી શ્રીલંકા પર નિર્ભર રહેવું પડશે અને પાકિસ્તાનની હાર માટે પ્રાર્થના કરવી પડશે. આ પછી પણ નેટ રન રેટની સમસ્યા નિર્ભર રહેવું પડશે. જો ભારત શ્રીલંકાને હરાવી દે અને બાંગ્લાદેશ સામે હારી જાય તો ટીમે બાકીની ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. એટલે કે એકંદરે ભારતે કોઈપણ ભોગે ત્રણમાંથી બે મેચ જીતવી પડશે.
ADVERTISEMENT