ODI World Cup: ટીમ ઈન્ડિયાનો તગડો ઝટકો, ઈજાને કારણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર

વર્લ્ડ કપ 2023માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેઓ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત…

gujarattak
follow google news

વર્લ્ડ કપ 2023માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેઓ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. તે મેચમાં પણ તેઓ માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યા હતા. આ પછી છેલ્લી ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયા તેમના વિના જ મેદાનમાં ઉતરી છે. મહત્વનું છે કે, હાર્દિક પંડ્યાને 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન લિગામેન્ટમાં ઈજા થઈ હતી.જે બાદ તેઓ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હતા.

ICCએ કરી પુષ્ટિ

ICCએ હાર્દિક પંડ્યાના વર્લ્ડ કપમાંથી બહાર થવાની પુષ્ટિ કરી છે. ભારતે હાલમાં લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. 5 નવેમ્બરે ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવાની છે, જ્યારે 12 નવેમ્બરે ઈન્ડિયા નેધરલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે પણ ક્વોલિફાઈ થઈ ગઈ છે.

પ્રસિદ્ધ કૃષ્ણાનો ટીમમાં સમાવેશ

ગયા મહિને પુણેમાં બાંગ્લાદેશ સામેની ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે 30 વર્ષીય ખેલાડી સમયસર સ્વસ્થ થવામાં નિષ્ફળ રહ્યા છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવાયો છે. પ્રસિદ્ધ કૃષ્ણા પાસે વર્લ્ડ કપનો અનુભવ નથી અને તેઓને પ્રથમ વખત વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવાયો છે.

પ્રસિદ્ધ કૃષ્ણાએ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે કરી હતી બોલિંગ

પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે 19 મર્યાદિત ઓવરોની (ODI-T20) મેચ રમી છે અને તેઓ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીજમાં ટીમ ઈન્ડિયામાં સામેલ હતા. વર્લ્ડ કપ પહેલા પ્રસિદ્ધે ઓસ્ટ્રેલિયાની ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચમાં ડેવિડ વોર્નરની વિકેટ લીધી હતી. તેમણે પાંચ ઓવરમાં 45 રન આપીને એક વિકેટ લીધી હતી. તેમના નામે મર્યાદિત ઓવરોમાં 33 વિકેટ છે. ટુર્નામેન્ટ ટેકનિકલ કમિટીએ શનિવારે ભારતના રિપ્લેસમેન્ટને મંજૂરી આપી હતી, એટલે કે પ્રસિદ્ધ કૃષ્ણા દક્ષિણ આફ્રિકા સામેની મેચ રમશે.

 

    follow whatsapp