Team India Captainship: રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024 બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જે બાદ T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું હતું કે, વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન રહેલા હાર્દિક પંડ્યાને નેતૃત્વ સોંપવામાં આવશે. પરંતુ શ્રીલંકા પ્રવાસ દરમિયાન પસંદગીકારોએ તેના સ્થાને શુભમન ગિલને આ જવાબદારી સોંપી છે. ગિલને શ્રીલંકા પ્રવાસ પર ટી20 અને વનડે બંને શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે ભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનું માનવું છે કે રોહિત શર્મા પછી શુભમન ગિલ આગામી કેપ્ટન હશે.
ADVERTISEMENT
ગિલ આગામી કેપ્ટન હશે
T20 વર્લ્ડ કપ 2024 બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેની કપ્તાની હેઠળ, ગિલે એક યુવા ટીમનું નેતૃત્વ કર્યું, જેણે પ્રથમ T20 હાર્યા બાદ, પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી. આ સમયગાળા દરમિયાન, ગિલ પાંચ ઇનિંગ્સમાં 170 રન બનાવીને શ્રેણીનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. હવે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરે ગિલને આગામી તમામ ફોર્મેટનો કેપ્ટન ગણાવ્યો છે.
પૂર્વ ફિલ્ડિંગ કોચે શું કહ્યું?
પૂર્વ ફિલ્ડિંગ કોચે કહ્યું કે, વર્તમાન ફોર્મ અને ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી અને ODI મેચોમાં પણ તેણે જે ક્ષમતા બતાવી છે તે જોતા મને લાગે છે કે આ બંને બે ફોર્મેટ એટલે કે T20 અને ટેસ્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યો છે. મારા માટે શુભમન ગિલ તમામ ફોર્મેટનો ખેલાડી છે અને મને લાગે છે કે તે ટેસ્ટ મેચ અને વનડેમાં કેપ્ટન રોહિત શર્માનો અનુગામી હશે. મને ખાતરી છે કે 2027 વર્લ્ડ કપ પછી ભારત તેને તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે જોશે.
ત્રણેય ફોર્મેટમાં કેવું છે ગિલનું પ્રદર્શન?
શુભમન ગિલે 2020-21માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધી તેણે 46 ઇનિંગ્સમાં 35.52ની એવરેજથી 1492 રન બનાવ્યા છે. વનડેમાં તેણે 46 ઇનિંગ્સમાં 59.53ની સરેરાશથી છ સદી અને 13 અડધી સદી સાથે 2322 રન બનાવ્યા છે. અત્યાર સુધી રમાયેલી 20 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ગિલે 30.42ની એવરેજ અને 139.27ની સ્ટ્રાઈક રેટથી 578 રન બનાવ્યા છે.
ADVERTISEMENT