'સમાજનો મજબુત વ્યક્તિ હોય તેને સ્વીકારજો, માયકાંગલાઓને ન સ્વીકારતા' વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા

Gujarat Tak

• 05:47 PM • 29 Jul 2024

Jayesh Radadiya vs Naresh Patel: લેઉવા પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચેનો વિવાદ હવે વધુ વિકરી રહ્યો છે. તાજેતરમાં જ સુરતના વરાછામાં વિઠ્ઠલ રાદડિયાની પુષ્ણતિથીએ યોજાયેલા કાર્યક્રમમાં જયેશ રાદડિયા વિરોધીઓ પર તૂટી પડ્યા હતા અને નામ લીધા વિના ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નામ લીધા વિના જ ખાસ મેસેજ આપ્યો હતો. 

follow google news

Jayesh Radadiya vs Naresh Patel: લેઉવા પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચેનો વિવાદ હવે વધુ વિકરી રહ્યો છે. તાજેતરમાં જ સુરતના વરાછામાં વિઠ્ઠલ રાદડિયાની પુષ્ણતિથીએ યોજાયેલા કાર્યક્રમમાં જયેશ રાદડિયા વિરોધીઓ પર તૂટી પડ્યા હતા અને નામ લીધા વિના ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નામ લીધા વિના જ ખાસ મેસેજ આપ્યો હતો. 

સુરતમાં જયેશ રાદડિયાએ શું હુંકાર ભર્યો?

વરાછામાં વિઠ્ઠલ રાદડિયાની પૂણ્યતિથીએ યોજાયેલા કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે નામ લીધા વગર વિરોધીએ કહ્યું હતું કે, સમય આવ્યે હું બધાને જવાબ આપીશ! કોણે ક્યાં શું કર્યું? ક્યાં કેટલી ખાનદાની છે? કોણ ક્યાં કોની સાથે હોય, કોને સમાજ પ્રત્યે લાગણી હોય તે સમય આવ્યે બતાવવાની મારી તૈયારી છે. હું અભિમાન કરતો નથી. સમાજના લોકો રાજકીય વ્યક્તિને ટોચ પર બેસાડી શકે અને આ જ લોકો નીચે પણ બેસાડી દે. સમાજ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવા જોઇએ.

'મજબુત વ્યક્તિ હોય તેને સ્વીકારજો, માયકાંગલાઓને ન સ્વીકારતા'

તેમણે આગળ કહ્યું, પરંતુ કેટલાક લોકોને શું પેટમાં દુખે છે સમજાતું નથી. સમાજનો મજબુત વ્યક્તિ હોય તેને સ્વીકારજો, માયકાંગલાઓને ન સ્વીકારતા. તે પોતે પણ ડુબશે અને સમાજને પણ ડુબાડશે. રાજકીય રીતે મારાથી મજબૂત વ્યક્તિ મળે તો મારી નીચે બેસવાની તૈયારી છે. સમાજના જરૂરિયાતવાળા લોકોનો હાથ ન પકડી શકો તો કાંઇ નહિ તેના પગ ખેંચવાનું બંધ કરો. નહીં તો નજીકના દિવસોમાં સમાજનું ભાવ પુછવાવાળું કોઇ નહિ રહે. હું સમયની રાહ જોઉં છું, મારા હાથ ચોખ્ખા છે, પેટમાં પાપ નથી પરંતુ કોઈનું સારૂ ન કરી શકીએ તો કોઇને પાડી દેવાની વૃતિ ક્યારેય અમારી નથી.

જયેશ રાદડિયા વિરૂદ્ધ મતદાન કરવાની પત્રિકા વાયરલ થઈ હતી!

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. એવી ચર્ચાઓ પણ ઉઠી હતી કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થઈ છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હોવાની ચર્ચા છે. તો જયેશ રાદડિયાએ નરેશ પટેલના ખાસ ગણાતા દિનેશ કુંભાણીના ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી દીધી. તો સામે પક્ષે ખોડલધામ તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે 'જયેશ રાદડિયા અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી.'

નરેશ પટેલ શું બોલ્યા હતા?

પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, 'જયેશ રાદડિયા સામે મને કોઇ વાંધો નથી. તે પાટીદાર સમાજના યુવા નેતા છે અને તેમને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ તેમની સાથે ઉભા છે. એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થયુ એવું મને લાગે છે. ખોડલધામના 500થી વધારે કન્વિનરો છે દરેક વ્યક્તિગત રીતે સ્વતંત્ર છે. ત્યારે દરેક બાબત સાથે ખોડલધામનું નામ જોડવું યોગ્ય નથી. જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. એટલે અમારે તે કરવું પડે છે અને એમાં અમને ટાર્ગેટ કરવામાં આવે છે. રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પરંતુ જે રહેશે તેમને સપોર્ટ કરીશ. ખાસ એ કેહવું છે કે, આપણા દેશના લોહ પુરુષ એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો. પણ આજે મારે અફસોસથી કહેવું પડે છે કે, આજે અમે જ વાત ઘરમાં નથી રાખી શકતા.'

નરેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, 'ખોડલધામ તરફથી કોઇ રાગ નથી કે દ્વૈષ નથી, જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે અમે પાટીદાર તો દરેક સમાજ સાથે રહીએ છીએ તો ઘરમાં તો સમાધાન જ હોય. જયેશ રાદડિયા સામે મને કોઇ વાંધો નથી. તે પાટીદાર સમાજના યુવા નેતા છે અને તેમને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા છે. એ ઇતિહાસ કોઇને ભૂલવાની જરૂર નથી અને અત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે અમે સાથે ઉભા રહીશું.'

    follow whatsapp