રાજ્યના આ જિલ્લામાં પુરુષો કરતાં મહિલા મતદારો વધારે, જાણો વિગત

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સાથે તંત્ર પણ ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન  ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે.…

gujarattak
follow google news

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સાથે તંત્ર પણ ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન  ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાની 89 બેઠકોનું અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. સામાન્ય રીતે મહિલા કરતાં પુરુષો મતદાર વધુ હોય છે ત્યારે ગુજરાતના દાહોદ, નવસારી અને તાપી જિલ્લામાં પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે.

આ જિલ્લામાં પુરુષ કરતાં મહિલા મતદાર વધુ
પુરુષ મતદાતાની મહિલા મતદાતાઓની સંખ્યાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં 7,85,746 પુરુષ મતદારો છે જ્યારે તેની સામે 7,99,241 મહિલા મતદારો છે. નવસારીમાં 5,39,018 પુરૂષ મતદારોની સામે 5,39,500 મહિલા મતદારો છે. તાપી જિલ્લામાં 2,46,435 પુરૂષ મતદારોની સામે 2,59,256 મહિલા મતદારો છે.આમ, રાજ્યમાં ત્રણ જિલ્લાઓ દાહોદ, નવસારી અને તાપીમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદાતાઓ વધારે છે.

પોલિંગ સ્ટેશન વધારાયા
બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પોલિંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલિંગ સ્ટેશન(PS) ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 પોલિંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલિંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં ડાંગમાં 335, પોરબંદરમાં 494,તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.

આ જિલ્લામાં સૌથી વધુ યુવા મતદાર
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 18થી 29 વર્ષની વયજૂથના કુલ 1,15,10,015 મતદારો છે. જેમાં સૌથી વધુ યુવા મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં અમદાવાદમાં 11,97,539, સુરતમાં 10,23,867, બનાસકાંઠામાં 7,07,754, વડોદરામાં 5,19,832 અને દાહોદમાં 4,89,536 યુવા મતદારો છે. એવીજ રીતે રાજ્યમાં કુલ 9,87,999 મતદાતાઓ 80 વર્ષથી વધુ વય ધરાવે છે. રાજ્યમાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે.સુરતની ચોર્યાસી બેઠક સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક છે. આ બેઠકમાં 5,66,511 મતદારો છે, જ્યારે સુરત-ઉત્તરમાં 1,63,187 સૌથી ઓછા મતદારો છે.

    follow whatsapp