ગૌતમ જોષી, અમદાવાદ: વર્ષ 2015 બાદ ગુજરાતમાં થયેલા સામાજિક આંદોલનોથી ગુજરાતના રાજકારણમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને 2015માં થયેલા પાટીદાર આંદોલન તેમજ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીના આંદોલન બાદ તમામ સમાજમાંથી અનેક યુવા નેતાઓ નીકળી રહ્યા છે. પહેલા સામાન્ય પણ માત્ર રાજકીય પક્ષોની યુવા પાંખમાંથી જ નેતાઓનો રાજકીય જન્મ થતો હતો. પરંતુ હવે વ્યક્તિગત આંદોલનકારીની ઈમેજ મેળવીને પણ અનેક લોકો રાજકીય ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે અને એક પબ્લિક ફિગર તરીકે નામના મેળવી રહ્યા છે.
આમાં પણ ગુજરાતના વરાછા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં સામાજિક આંદોલનકારીઓનો જન્મ થયો છે. કેટલાક આંદોલનકારીઓ આજે ખોવાઈ ગયા છે તો કેટલાક આંદોલનકારીઓ હજુ પણ સતત ચર્ચામાં છે. 2015માં થયેલા પાટીદાર આંદોલન બાદ વરાછા વિસ્તારમાંથી અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, નિખિલ સવાણી, ગોપાલ ઈટાલીયા, સહિત અનેક આંદોઓનકારીઓને રાજ્ય સ્તરે નામના મળી અને 2015માં હાર્દિક પટેલને પણ વરાછા વિસ્તારમાંથી જ ભારે જન સમર્થન મળતું હતું. અને હાર્દિકની રાજકીય અને સામાજિક કારકિર્દીમાં પણ વરાછા વિસ્તારનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે.
આમ 2015ના આંદોલન બાદ સુરતના વરાછા સહિતના વિસ્તારોમાંથી અનેક યુવા નેતાઓ ગુજરાતને મળ્યા જેમાંથી ઘણા બધા નેતાઓ રાજકીય પક્ષમાં જોડાઈ ચૂક્યા છે. જ્યારે હજુ પણ અનેક યુવાનો સામાજિક સ્તરે લડત લડતા દેખાઈ રહ્યા છે. પરંતુ 2015ના આંદોલન બાદ પણ આ વિસ્તારમાંથી હજુ પણ તંત્ર અને સરકાર સામે સતત અવાજ ઉઠાવનાર યુવાનો બહાર આવી રહ્યા છે અને તાજેતરમાં ગુજરાતમાં જે યુવાનનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેનું નામ છે મેહુલ બોઘરા. મેહુલ બોઘરા પણ સુરતમાંથી જ આવે છે અને 18મી ઓગસ્ટના રોજ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો થયો જે બાદ મેહુલ બોધરાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં અનેક લોકોએ પોતાની વાત મૂકી અને સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં અલ્પેશ કથીરિયા અને મેહુલા બોધરાના સમર્થકો પહોંચી ગયા અને મેહુલ બોધરાએ ન્યાય અપાવવા માટે નારેબાજી પણ કરી.
વધુમાં મેહુલ બોઘરા વિશે વાતચીત કરીએ તો 27 વર્ષના યુવાન મેહુલ બોઘરા વ્યવસાયે વકીલ છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર મેહુલ બોગરા ખૂબ જ સક્રિય છે. પોલીસ અને પોલીસ તંત્રની નીતિઓને લઈને તેઓ સતત અવાજ ઉઠાવતા રહે છે. અગાઉ પણ તેઓ ઘણી વખત ચર્ચામાં આવી ચૂક્યા છે પરંતુ આ વખતે હુમલો થતા તેઓના સમર્થકોએ આ બાબતને લઈને નારાજગી વ્યક્ત કરી અને મુદ્દો હવે રાજકીય તુલ પકડી રહ્યો છે. અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓએ મેહુલ બોધરાને મળીને સમર્થન પણ આપ્યું છે. ત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા બોઘરા હવે રાજકારણમાં આવશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહેશે જેનો જવાબ મેહુલ બોધરા જ આપી શકે છે.
પરંતુ ખાસ કરીને સુરત અને સુરતના વરાછા વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાંથી છાશવારે સરકાર અને તંત્રની નીતિઓ સામે લડત આપતા યુવાનો દેખાઈ આવે છે. જેમાંથી અનેક લોકોને નામના મળી છે જ્યારે કેટલાક લોકોને નામના તો નથી મળી પરંતુ આ વિસ્તારમાંથી સરકાર અને તંત્રની નીતિઓ સામે લડવાનો મિજાજ યુવાનોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતા વધુ દેખાઈ આવે છે.