અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે જાણે સામે આવી ઊભી છે. ગુજરાતની શેરીએ શેરીએ હવે રાજકારણીઓ જોવા મળે તો પણ નવાઈ નથી. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓના ગુજરાતમાં પ્રવાસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં સતત રાજકીય માહોલ જામી રહ્યો છે ત્યારે આરોપ પ્રત્યારોપનું રાજકારણ પણ ગરમાયું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્વિટથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું કે, આપ ગુજરાતમાં ખૂબ ઝડપી વધી રહી છે. ભાજપ ભયભીત થઈ છે. શું એ વાત સાચી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમિત શાહને સીએમ ચહેરા તરીકે જાહેર કરવા જઈ રહ્યું છે? શું ભાજપ પણ ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી નારાજ છે?. આમ હજુ થોડા સમય પહેલા જ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટિલે ગુજરાત ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે તેમ કહ્યું હતું. જોકે એ પહેલા પાટિલે એમ પણ કહ્યું હતું કે રૂપાણીની આગેવાનીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે પરંતુ રૂપાણીએ રાજીનામું આપી દીધું હતું.
આમ આદમી પાર્ટીએ ઉમેદવારની યાદી કરી જાહેર
રાજકારણના ઇતિહાસમાં ક્યારે પણ કોઈ પાર્ટીએ પોતાના ઉમેદવારની યાદી 4 મહિના પહેલા જાહેર કરી નથી. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાના 10 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને અરવિંદ કેજરીવાલ હવે દર સપ્તાહે ગુજરાતના પ્રવાસ કરવા લાગ્યા છે. હવે અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીથી ભાજપ પણ નારાજ છે તેવો આરોપ લગાવ્યો છે અને ભાજપ આગમી વિધાનસભાની ચૂંટણીમાં અમિતશાહને મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી શકે છે તેમ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે.
અરવિંદ કેજરીવાલ આગામી 6 અને 7 તારીખે ગુજરાતના પ્રવાસે આવશે અને સભા સંબોધશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં તમામ બેઠક પર પોતાના ઉમેદવાર મેદાને ઉતરશે ત્યારે હવે આમ આદમી પાર્ટી ગુજરાત મોતનું સ્થાન બનાવવા માટે એડી ચોંટીનું જોર લગાવશે. ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી ભાજપની સરકાર છે. કોંગ્રેસમાં છેલ્લા થોડા સમયથી નારાજગીનો દોર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આમ આદમી પાર્ટી આ પરિસ્થિતીનો ફાયદો લઈ અને મેદાને ઉતરશે.
ADVERTISEMENT