ગોપી ઘાંઘર/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ BJP, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ વધુ ઘેરાયો છે. AAPમાંથી ભાજપમાં જનારા વિજયભાઈ સુવાળાનો (Vijay Suvada) AAPના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકેનું પોસ્ટર હાલમાં વાઈરલ થયું હતું. આ પોસ્ટર વાઈરલ થતા તેઓ ફરીથી AAPનો ખેસ ધારણ કરશે તેવી અટકળો ઉઠી હતી. એવામાં વિજય સુવાળાએ આ પોસ્ટરની હકીકત જણાવી હતી.
ADVERTISEMENT
માતાજીનો કાર્યક્રમ હોવાથી મેં જવાની હા પાડી હતી
Gujarat Tak સાથે ખાસ વાતચીતમાં વિજય સુવાળાએ જણાવ્યું કે, મારા મિત્રનો ફોન આવ્યો હતો અને મહેમાન તરીકે માતાજીના પ્રસંગમાં હાજરી આપવા કહ્યું હતું. જેથી મેં હા પાડી અને પછી મેં પોસ્ટર જોયું તો કાર્યક્રમ કોઈ પાર્ટી દ્વારા આયોજીત હતો. આથી મેં ફોન કરીને કહી દીધું કે આ પાર્ટીના પ્રોટોકોલની વિરુદ્ધ છે, મેં ચોખ્ખી ના પાડી દીધી. AAPમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું કે, આવું કંઈ નથી. માતાજીનો પ્રસંગ હતો એટલે મેં પહેલા હા પાડી હતી, પરંતુ પોસ્ટ જોયા બાદ મેં ના પાડી દીધી. હું રાત-દિવસ ભાજપ માટે કામ કરું છું. મારા મગજમાં પાર્ટી બદલવાનું કંઈ નથી. લોકોના મગજમાં શું ચાલે છે, મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. પણ હું ભાજપમાં ખુશ છું. મને માન સન્માન મળે છે. AAPમાં જવાનું સપનું પણ નથી આવતું. હું જે જગ્યાએ છું ત્યા બરોબર છું.
વિજય સુવાળાનું ઈસુદાન ગઢવી સાથે પોસ્ટર વાઈરલ થયું હતું
નોંધનીય છે કે આ દરમિયાન હવે ભાજપના વિજયભાઈ સુવાળા અને ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ દ્વારા આયોજિત ભવ્ય રમેલના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જોડાતા હોવાની ચર્ચાથી રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલા મહિના પહેલા વિજયભાઈએ AAPનો સાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
AAPના કાર્યક્રમમાં વિજય સુવાળા મુખ્ય મહેમાન!
આમ આદમી પાર્ટીથી દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઈએ રમેલનું આયોજન કર્યું હતું. આમાં તેમણે કલાકાર તરીકે તેજસ રબારી, ભુવાજી રેવાભાઈને બોલાવ્યા છે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે વિજય સુવાળા અને ઈસુદાન ગઢવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રમેલ કાર્યક્રમ 28 (રાતે 8 વાગ્યે) અને 29 ( સાંજે 7 વાગ્યે) તારીખે આયોજિત થશે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ અને ભાજપના વિજયભાઈ સુવાળા ગાઢ મિત્રો છે.
વિજયભાઈએ 7 મહિનામાં આપ સાથે છેડો ફાડ્યો
નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં વિજયભાઈ સુવાળાએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો. તેમને ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. જોકે આ દરમિયાન લગભગ 7 મહિનાની અંદર વિજયભાઈએ ભાજપનો સાથ લીધો હતો. આ દરમિયાન સી.આર.પાટીલે તેમને કેસરિયો ખેસ ધારણ કરાવી પાર્ટી સાથે જોડ્યા હતા. આમ આદમી પાર્ટી છોડીને જ્યારે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાની વિચારણા કરી હતી. ત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે તેમને ઘરે મનાવવા માટે ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. જોકે વિજયભાઈ સુવાળાએ ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું હતું.
ADVERTISEMENT