નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો ગુજરાત ને પોતાનો ગઢ બનાવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરતની કમાન સંભાળી રહ્યું છે. ત્યારે રાજ્યમાં 182 બેઠક માંથી કોંગ્રેસે 149 બેઠક જીતી અને ઇતિહાસ રચ્યો હતો તે જ કોંગ્રેસ આજે અસ્તિત્વની લડાઈ લડી રહી છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ પડકારજનક અને મહત્વની છે.
ADVERTISEMENT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સત્તા પક્ષ ભાજપ અને આમ આદમી પાર્ટી રાજ્યમાં વધુ સક્રિય બની રહી છે. આ બંને બાદ ગુજરાતમાં કોંગ્રેસ આળસ મરડી બેઠી થઈ છે. કોંગ્રેસ માટે 2022ની ચૂંટણી કરો યા મારો જેવી સ્થિતમાં છે. કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં છેલ્લા 27 વર્ષના પડકારો એક સાથે સામે આવશે.
વર્ષ 2022ના કોંગ્રેસના 5 મુખ્ય પડકાર
યુવાઓનો ઓછો વિશ્વાસ
કોઈ પણ દેશ કે રાજ્યનું ભવિષ્ય આજનો યુવાવર્ગ છે. યુવાનોની તાકાતનો અંદાજો કોઈ પણ લગાવી ન શકે. કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર યુવા વર્ગ છે. કોંગ્રેસની વિધ્યાથી પાંખ NSUI રાજ્યમાં ભલે મજબૂત છે છતાં કોંગ્રેસ સાથે યુવાનોએ અંતર બનાવી રાખ્યું છે. આ અંતરનું પરિણામ મતદાન પર પડે છે. આજે પણ ઘણાં એવા તાલુકા અને જિલ્લા છે જ્યાં યુથ કોંગ્રેસના હોદાઓ ખાલીખમ છે. ખાલી હોદ્દાઓ અને યુવાનોની દૂરી મતદાન પર અસર કરશે.
આંતરિક જુથવાદ:
કોંગ્રેસનો આંતરિક જુથવાદ સતત ચર્ચામાં રહ્યો છે. વર્ષ 2017થી જોવામાં આવેતો દર વર્ષે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રસના ધારાસભ્યો હોય કે આગેવાનો આ તમામ એક બાદ એક આંતરિક જુથવાદનું નામ ધરી અને પક્ષ પલટો કરી રહ્યા છે. કાર્યકારી અધ્યક્ષ, ધારાસભ્યો અને પૂર્વ સાંસદો પણ કોંગ્રેસ સાથે આ કારણે છેડો ફાડી અને અન્ય પક્ષને સાથ આપી રહ્યા છે. વિધાનસભાની ટિકિટ ફાળવણી બાદ જુથવાદ વધવાની સંભાવના વધુ છે અને ત્યાર બાદ પક્ષ પલટાની સંભાવના પણ વધશે. ચૂંટણીમાં પડકારરૂપ સાબિત થશે.
લોકો સાથે સીધા સંપર્કનો અભાવ:
છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તા વનવાસ પર છે અને કોંગ્રેસના નેતાઓ જાણે અજ્ઞાતવાસમાં છે. મોંઘવારી, બેરોજગારી, પરીક્ષાના પેપર ફૂંટવા, ધારાસભ્યોનો પક્ષ પલટો, શાળાનું મોંઘું શિક્ષણ, વધતાં જતાં દૂધ, પેટ્રોલ, ડીઝલ સહિતની જીવન જરૂરિયાત વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. વેપારી વર્ગ જીએસટીથી પરેશાન છે.રાજ્યના રોડ રસ્તાની હાલત ખરાબ છે આ તમામ મુદ્દાને લઈ કોંગ્રેસ ભાજપને ઘેરી અને જનતા સાથે સંપર્ક સતત લાઈવ રાખી શકે તેમ હતી. કોંગ્રેસની રણનીતિ અને કોંગ્રેસની ઓછી મજબૂત પકડના કારણે જનતાથી કોંગ્રેસ દૂર થઈ છે. ભાજપ સરકારના નિર્ણયોના વિરોધ કરવામાં કોંગ્રેસની કચાશ જોવા મળી છે અને તે આગમી ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો પડકાર રહેશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકામાં જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરી અને જનતાના પ્રશ્નો સરકાર સામે રાખે છે પરંતુ કદાચ કોંગ્રેસ વિરોધ પ્રદર્શનનું હથિયાર ઉગામવાનું જ ભૂલી ગઈ છે.
સંગઠનની ઢીલી પકડ:
ઘર હોય કે કોઈ રાજકીય કે સામાજિક સંસ્થા આ તમામ પર અનુસાશન ખૂબ જ મહત્વનું છે. કોંગ્રેસ પક્ષમાં અનુસાશનનો અભાવ વધુ જોવા મળી રહ્યો છે. રાજ્યની વાત કરવામાં આવે કે દેશની કોંગ્રેસના નેતાઓ પક્ષવિરોધી પ્રવૃતિ કરી અને કોંગ્રેસને સતત નુકશાન પહોંચાડી રહ્યા છે. સંગઠનની મજબૂત પકડ ખૂબ જ જરૂરી છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ એવો નેતા નથી કે જેની તમામ પર પકડ હોય અને ડેમેજ કંટ્રોલ કરી શકે. કોંગ્રેસ પાસે ઝોન મુજબ કોઈ જ મુખ્ય ચહેરો નથી. જ્યારે કોઈ નેતાની નારાજગી સામે આવે ત્યારે તેમની નારાજગી દૂર કરી શકે. સંગઠનની પકડ મજબૂત હોય ત્યારે જ સત્તાના દ્વાર સુધી પહોંચી શકાય. આ ચૂંટણીમાં સંગઠનની પકડ મુખ્ય પડકાર રહેશે.
નિર્ણયશક્તિનો અભાવ:
ગુજરાતમાં કોંગ્રેસ 27 વર્ષથી સત્તાથી દૂર છે ત્યારે 27 વર્ષ દરમિયાન 60થી વધુ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને સંસદ સભ્યોએ અને પૂર્વ સંસદ સભ્ય કોંગ્રેસનો હાથ મૂકી અને અન્ય પક્ષને સાથ આપવાનું નક્કી કર્યું છે. આ 27 વર્ષ દરમિયાન કોંગ્રેસે મનોમંથન કરી નક્કર નિર્ણય નથી કર્યો. તાજેતરની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ, જયરાજ સિંહ પરમાર, અશ્વિન કોટવાલ સહિત અનેક નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. આ નેતાઓને મનાવવા માટે કોઈ નક્કર નિર્ણય લેવામાં કોંગ્રેસ કાચી પડી છે. આ કચાશની અસર વિધાનસભાની ચૂંટણી પર પડી શકે છે. જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે છે ત્યારે પણ કોંગ્રેસના નિર્ણયથી નારાજગીનો દોર શરૂ થઈ જાય છે. વિરોધ કરવાનો નિર્ણય હોય કે નેતાઓના હોદ્દા આપવાના નિર્ણય આ તમામમો કોંગ્રેસ ઊણી ઉતરી છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પેટાચૂંટણીના પરિણામ બાદ બંનેએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું હતું અને 1 વર્ષ સુધી આ બંને હોદા પર કયો ચેહરો મૂકવો તે નિર્ણય કરવામાં પણ લાંબો સમય લીધો હતો. આમ ત્વરિત નિર્ણય અથવા તો નિર્ણય નથી લઈ સકતી કોંગ્રેસ.
ADVERTISEMENT