સુરત/જુનાગઢ/અરવલ્લીઃ ગુજરાતીઓમાં ગરબાનો ક્રેઝ સૌથી વધારે છે. તેવામાં હવે ગરબા રમવા માટે કોરોના મહામારી પછી પણ ખેલૈયાઓની મજા ફિક્કી પડી ગઈ છે. છેલ્લા 2 વર્ષથી ઘણા પ્રતિબંધો વચ્ચે ગરબાની રમઝટ પહેલાંની જેમ જામી નહોતી તેવામાં હવે 2022ના ગરબાનું આયોજન થાય એની પહેલાં નવરાત્રીનાં પાસ પર 18 ટકા GST લાગુ કરી દેવાતા લોકોને ફટકો પડ્યો છે. જેના વિરોધમાં સુરત, જૂનાગઢ અને અમરેલી ખાતે ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. અહીં AAPનાં કાર્યકર્તાઓ વિવિધ બેનરો સાથે ગરબા રમીને નવરાત્રીના પાસ પર લાગૂ GSTનો વિરોધ કરી રહ્યા છે. જોકે આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી છે.
ADVERTISEMENT
IPLની કમાણી ફ્રી અને ગરબા પર GST- AAP
સુરતના વેડરોડ વિસ્તારના બહુચરાજી મંદિર પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સુરતના AAPના કાર્યકર્તાઓએ IPLની કમાણી ટેક્સ ફ્રી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બેનરો લઈને જણાવ્યું કે ગરબા રમવા પર 18% GST લાગુ કરાયો છે. પરંતુ IPLની કમાણી ફ્રી આવું કેવી રીતે યોગ્ય ગણાય. આની સાથે AAPના નેતાએ હિંદુ તહેવારોને પૈસા કમાવવાનું સાધન ન બનાવો એવા બેનર સાથે ભાજપનો વિરોધ કર્યો હતો.
જુનાગઢમાં વાતાવરણ ગરમાયું…
જુનાગઢમાં પણ આપ પાર્ટીનું પ્રાઇવેટ પ્લોટ અને કોમર્શિયલ ગરબા પર લગાવેલા જીએસટી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેના પગલે પોલીસે AAPના કાર્યકર્તાઓને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી દીધા હતા. આને પગલે AAPના પ્રમુખ ચેતન ગજેરાએ કહ્યું કે હિંદુત્વના નામે તાયફા કરતી ભાજપ સરકારે ગરબા રમવા પર 18% GST લગાવ્યો એની વિરૂદ્ધ આમ આદમી પાર્ટી પ્રદર્શન કરી રહી છે. જે હવે ભાજપ સરકારને આકરુ લાગી રહ્યું છે.
અમરેલીમાં રાજકમલ ચોક પર ગરબા કરી વિરોધ કરાયો
ગુજરાતમાં ઠેર-ઠેર આમ આદમી પાર્ટી ગરબા પર લાગેલા GSTનો વિરોધ કરી રહી છે. તેવામાં અરવલ્લીના કાર્યકર્તાઓએ રાજકમલ ચોક પાસે ગરબા રમવાનું શરૂ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે સરકારને 18% GST દૂર કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે ત્યારપછી પોલીસે વિરોધ કરતા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ADVERTISEMENT