Gujarat Politics News : ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ દિલ્હી લઈ જવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવવામાં આવશે તેને લઈને ગણગણાટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઈ છે. આ વચ્ચે હવે જસદણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે.
ADVERTISEMENT
કોળી સમાજના આગેવાનોની માંગ
પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણ વિંછીયાના કોળી સમાજના આગેવાનોમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન આપવાની અને તેમને મુખ્યમંત્રી બનાવવવાની માંગ ઉઠી છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ લખ્યું છે કે, ગત લોકસભામાં સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે, તો કોળી સમાજની લાગણી અને માંગણી ગજુરત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળિયાને જવાબદારી મેળે તેવી ગુજરાત રાજ્યના કોળી સમાજની માંગ છે. ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 32% છે.
શું ગુજરાતના રાજકારણમાં થશે નવાજૂની?
કોળી સમાજના આગેવાન દ્વારા છેક દિલ્હી વડાપ્રધાન સુધી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. બીજી બાજુ કુંવરજી બાવળિયા પણ તાજેતરમાં દિલ્હી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
સાળંગપુર ખાતે યોજાઈ હતી બેઠક
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ બોટાદના સાળંગપુર ખાતે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. સી.આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરપાલિકા-મહાનગરપાલિકાના પ્રમુખો-ઉપપ્રમુખો, તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખો-ઉપપ્રમુખો, મેયરો હાજર રહ્યા હતા.
સી.આર પાટીલે હાઈકમાન્ડને કરી હતી રજૂઆત
કારોબારીની બેઠકમાં સી.આર પાટીલે હાઈકમાન્ડને રજૂઆત કરી હતી કે 'મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો' સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર પાટીલે કહ્યું કે, મારો કાર્યકાળ પૂર્ણ થયો છે અને પાર્ટીના 'એક વ્યક્તિ એક હોદ્દા'ની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી અન્ય કોઈને સોંપવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને સોંપાય છે અને જો ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો કોને-કોને પ્રમોશન મળે છે....
ADVERTISEMENT