વીરેન જોશી/મહીસાગર : ગત વર્ષે મહીસાગર ભાજપના નેતા અને તેમની પત્નીની બેવડી હત્યાના સમગ્ર રાજયમાં ખળભળાટ મચાવનાર બનાવમાં હત્યાના આરોપીને જિલ્લા અદાલતે નિર્દોષ જાહેર કરતાં હત્યારો કોણ એવા વેધક સવાલો વચ્ચે રાજકીય ગરમાવો આવ્યો છે. ઘટનાની વિગતો મુજબ ગત ૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને પંચાલ સમાજના આગેવાન ત્રીભોવનભાઈ પંચાલ અને તેમની પત્ની શારદાબેનની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
સમગ્ર રાજયમાં ચકચારી બનેલી આ ઘટનાની જાણ ગામના લોકોએ પોલીસને કરતા પોલીસ કાફલો તેમજ જિલ્લાના એસપી, લુણાવાડા પોલીસ, સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ સાંત્વના પાઠવી હતી.
પોલીસે ડોગ સ્કવોર્ડ અને FSLની મદદથી ઘટના સ્થળ પર તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ભાજપના નેતા ત્રિભોવન પંચાલ અને તેની પત્ની જશોદા પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ આ મામલાને ગંભીરતાથી લઇને તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ તપાસના આદેશ આપ્યા હતા.
પોલીસ ચાર્જશીટ મુજબ ત્રિભોવન પંચાલ અને તેમના પત્નીની હત્યા ગામના જ ભીખા પટેલ નામના ઇસમે કરી હતી. પોલીસ દ્વારા ભીખા પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ભાજપના નેતા અને તેની પત્નીની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતા. પોલીસે દાવો કર્યો હતો કે, ભીખા પટેલ નામનો હત્યારો ત્રિભોવન પંચાલનો મિત્ર હતો અને પૈસાની લેતીદેતીમાં તેણે બંનેને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ ડબલ મર્ડર કેસમાં ફરિયાદ પક્ષે 13 જેટલા સાક્ષીઓ તપાસ્યા અને 42 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી તરફે એડવોકેટ બિપિન પટેલ અને વિધાન દવે દ્વારા ઘનિષ્ઠ ઉલટ તપાસ કરી હતી. કોર્ટ દ્વારા તપાસમાં આવેલ પુરાવાની વિસ્તૃત છણાવટ કરી આરોપી વિરુધ્ધ ડબલ મર્ડરનો ગુનો સાબિત થતો નથી તેવો ચુકાદો આપ્યો છે અને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કર્યો છે.
ચકચારી બેવડી હત્યાના ગુનાના આરોપીનો નિર્દોષ છુટકારો થતાં ભાજપ નેતા ત્રિભોવન પંચાલ અને તેમની પત્નીની હત્યા કરી કોણે એવા વેધક સવાલો વચ્ચે રાજકીય ગરમાવો આવ્યો છે.
ADVERTISEMENT