Banaskantha Politics: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોએ આ વખતે સૌ કોઈને ચોંકાવ્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવીને ભાજપના સતત ત્રીજી વખત 26 બેઠકથી ક્લીન સ્વીપ કરવાના સ્વપ્નને તોડી નાખ્યું. જોકે ગેનીબેન સાંસદ બન્યા બાદ તેમણે વાવ બેઠક પર ધારાસભ્ય પદનું પદ છોડી દીધું છે એવામાં વાવની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે. જોકે કોંગ્રેસના ગઢ કહેવાતી વાવની બેઠક કબજે કરવા માટે ભાજપ તૈયારીમાં લાગી છે, તો કોંગ્રેસ પણ પોતાની બેઠક બચાવવામાં લાગી છે. આ બધા વચ્ચે બંને પાર્ટીઓ કોને ટિકિટ આપશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
વાવની બેઠક પર થશે રસાકસી?
વાવની વિધાનસભા બેઠકને લઈને હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અહીંથી ઠાકોર ચહેરાને મેદાને ઉતારી શકે છે, તો કોંગ્રેસ અન્ય સમાજથી ઉમેદવારને ઉતારી શકે છે. લોકસભા 2024ની ચૂંટણીમાં વાવ વિધાનસભામાં કોંગ્રેસની લીડ ઘટી હતી. આ વખતે ગેનીબેનને હરાવવા વાવમાં ભાજપના શંકર ચૌધરીએ ભારે મહેનત કરી હતી. જોકે અન્ય વિધાનસભામાં ગેનીબેનને વધુ લીડ મળતા તેઓ જીતી ગયા હતા. વાવ વિધાનસભા 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસ તરફથી વાવની ટિકિટ માટે 3 નામો સૌથી વધુ ચર્ચામાં ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના પણ 3 નેતાઓના નામ ટિકિટ માટે ચર્ચામાં છે.
ભાજપ-કોંગ્રેસના કયા નામો ટિકિટની ચર્ચામાં?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ માટે કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત, કે.પી ગઢવી, ઠાકરશી રબારી મજબૂત દાવેદાર છે. તો ભાજપ સ્વરૂપજી ઠાકોરને ફરી મેદાને ઉતારી શકે છે. આ ઉપરાંત ભાજપના મુકેશ ઠાકોર અને શૈલેશ ચૌધરી પણ ટિકિટની રેસમાં છે.
કોણ છે ગુલાબસિંહ રાજપૂત?
કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત થરાદ બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પરપત પટેલ થરાદથી ચૂંટાઈને આવ્યા હતા. જોકે 2019ની ચૂંટણીમાં પરબત પટેલ બનાસકાંઠા લોકસભા જીતતા થરાદ બેઠક ખાલી થઈ હતી. આથી થરાદ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહે બાજી મારી હતી. જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુલાબસિંહ અહીંથી હારી ગયા હતા. ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠામાં ગેનીબેનને જીતાડવા માટે ખૂબ મહેનત કરી હતી. એવામાં લોકોની પણ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવા માંગ છે.
કે.પી ગઢવી અને ઠાકરશી રબારી
વાવની વિધાનસભા બેઠક પર કે.પી ગઢવીનું નામ પણ ટિકિટના દાવેદારોમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ વાવ વિધાનસભાના જાણકાર છે અને સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત મનાય છે. તેઓ વર્ષોથી કોંગ્રેસના સિનિયર કાર્યકર્તા છે અને સલાહકાર તરીકે મોટું કામ કર્યું છે. એવામાં તેમને પાર્ટી દ્વારા આ વખતે ચૂંટણી લડવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તો અન્ય એક નામ ઠાકરશી રબારી પણ ચાલી રહ્યું છે. ઠાકરશી રબારી વાવમાં રબારી સમાજનો મોટો ચહેરો છે. તેઓ બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ ચેરમેન પણ છે.
ભાજપમાંથી ટિકિટ માટે કોણ છે પ્રબળ દાવેદાર?
વાવની ટિકિટ માટે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરનું નામ રેસમાં છે. સ્વરૂપજી 2022 માં વાવથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે ગેનીબેન ઠાકોર સામે તેમની હાર થઈ હતી. તેઓ વાવ તાલુકાના ડીયોક ગામના વતની છે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તો મુકેશ ઠાકોર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ છે અને શંકર ચૌધરીના નજીકના નેતા મનાય છે. તેમણે 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત માટે ખૂબ મહેનત કરી હતી. ત્યારે શક્ય છે કે હવે તેમને પોતાની મહેનતનું ફળ મળી શકે. તો શૈલેષ ચૌધરી પણ વાવથી ટિકિટ માટે દાવેદાર મનાય છે. શૈલેષ ચૌધરી પરબત પટેલના પુત્ર છે અને માર્કેટ યાર્ડના ચેરમેન છે. તેઓ ચૌધરી સમાજમાં મોટું નામ ધરાવે છે.
ADVERTISEMENT