અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે શક્તિ કન્વેન્શન સેન્ટરમાં ટાઉનહોલ કાર્યક્રમ યોજી તેમણે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. જે મુજબ AAP જો ગુજરાતમાં સરકાર બનાવશે તો રાજ્યની 18થી વધુ વર્ષની દરેક મહિલાઓને પ્રતિ માસ રૂ.1000ની સ્ત્રી સન્માન રાશિ આપવાની ગેરંટી કેજરીવાલે આપી છે. AAPના કાર્યક્રમ સ્થળની બહાર પોસ્ટર્સ લાગ્યા છે, જેમાં આ વિશેની જાણકારી આપવામાં આવેલી છે. આ ગેરંટીની ઔપચારિક જાહેરાત અરવિંદ કેજરીવાલ થોડા સમયમાં જ કરી શકે છે.
ADVERTISEMENT
આ પહેલા ગત રવિવારે પણ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા, જ્યાં તેમણે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ તથા છોટા ઉદેપુરના બોડેલી ખાતે જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે આદિવાસી સમાજને 6 ગેરંટી આપી હતી. જ્યારે આ પહેલા તેઓ ગુજરાતમાં 300 યુનિટ ફ્રી વીજળી, રોજગારીની ગેરંટી અથવા રૂ.3000નું બેરોજગારી ભથ્થું તથા વેપારીઓને ગેરંટી આપી ચૂક્યા છે. એવામાં આમ આદમી પાર્ટીએ મહિલા મતદારોને આકર્ષવા માટે સ્ત્રી સન્માન રાશિનો નવો દાવ ખેલ્યો છે.
અરવિંદ કેજરીવાલની આદિવાસીઓને આ 6 ગેરેંટી
- આદિવાસીઓ માટે જે સંવિધાનની 5મી વ્યવસ્થા છે તેને સંપૂર્ણ રીતે લાગુ કરીશું. તેમના માટેના PESA એક્ટને લાગુ કરીશું. આદિવાસી ગામોમાં ગ્રામસભાની મંજૂરી વિના કશું નહીં થાય. જે ટ્રાઈબલ એડવાઈઝરી કમિટી છે, જેનું કામ આદિવાસી સમાજના ક્ષેત્રમાં કેવો વિકાસ થાાય, ફંડનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરે છે, તે ટ્રાઈબલ એવાઈઝરી કમિટીના ચેરમેન ટ્રાઈબલ હશે.
- દરેક આદિવાસી ગામમાં સારી સ્કૂલો ખોલીશું.
- દિલ્હીના મહોલ્લા ક્લિનિકની જેમ દરેક ગામમાં ક્લિનિક ખોલીશું. તેમાં સારવાર મફત હશે. આદિવાસી વિસ્તારમાં મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખોલીશું.
- જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં જે સમસ્યા આવે છે, તેની પ્રક્રિયા સરળ બનાવીશું.
- ઘર ન હોય તેવા ગરીબ આદિવાસીઓને ઘર આપવામાં આવશે.
- દરેક ગામ સુધી રસ્તો બનાવાશે.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી 3 મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં ભાજપ તથા કોંગ્રેસ સહિતની તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવામાં લાગી છે. તેમાં પણ આ વખતે આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં યોજાવાની હોવાથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામશે. એવામાં જોવાનું રહેશે કે ત્રણેય પાર્ટીઓમાંથી આ વખતે ગુજરાતની ચૂંટણીમાં કોણ બાજી મારશે.
(વિથ ઈનપુટ: સૌરભ વક્તાનિયા)
ADVERTISEMENT