હેતાલી શાહ, આણંદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યુ છે. રાજકીય પક્ષમાંથી રાજીનામાં પડી રહ્યા છે આવા જ એક સાથે પાંચ રાજીનામાં સોજીત્રા નગરપાલિકાના ભાજપના સભ્યોએ આપી દેતા રાજકારણ ગરમાયુ છે. તો બીજી તરફ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ આ રાજીનામાંની વાતને નકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે બધું બરાબર છે.
ADVERTISEMENT
આણંદ જિલ્લામાં સોજીત્રા નગરપાલિકાના વિવિધ વોર્ડના ભાજપના પાંચ ચૂંટાયેલા સભ્યોએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. સોજીત્રા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના સભ્ય કોકીલાબેન લક્ષ્મણભાઈ વાઘરી, વોર્ડ નંબર 2 ના સભ્ય રાહુલભાઈ અશોકભાઈ વાઘરી, વોર્ડ નંબર 5 ના સભ્ય કાછિયા પટેલ જીગ્નેશભાઈ અશ્વિનભાઈ, વોર્ડ નંબર 3ના સભ્ય રાણા ઉન્નતિબેન ધર્મેશભાઈ અને વોર્ડ નંબર 1ના સભ્ય મકવાણા કલ્પનાબેન ઉમેશભાઈએ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તથા સોજીત્રા શહેર ભાજપ પ્રમુખને સંબોધીને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર લખ્યો હતો. રાજીનામામા જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એ સોજીત્રા નગરપાલિકામાં સાર્થક થતું ન હોય તેમજ સોજીત્રા શહેર ભારતીય જનતા પાર્ટીના કેટલાક પૂર્વ પ્રમુખો તેમજ સંગઠનના કેટલાક વ્યક્તિઓ ખોટા આક્ષેપો કરી તેઓને બદનામ કરતા હોય રાજી ખુશીથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપીએ છે. એક સાથે જ નગરપાલિકાના પાંચ સભ્યોના રાજીનામા પડતા સોજીત્રા ભાજપ સંગઠન સહિત જિલ્લા ભાજપ સંગઠન દોડતું થઈ ગયું હતું અને સભ્યોને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
જિલ્લા અધ્યક્ષનો સબ સલામતનો દાવો
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે બધું બરાબર છે અને સમાધાન થઈ ગયું હોવાનો રાગ આલાપ્યો હતો, તો સોજીત્રા નગરપાલિકાના પ્રમુખ રજનીકાંત પટેલે સભ્યોને કોઈક ગેરસમજ થઈ હોવાથી રાજીનામાં આપ્યા હતા પરંતુ વાતચીત અમારી થઈ છે અને તેઓએ રાજીનામાં પરત લઈ લીધા છે તેમ જણાવ્યું છે. આ અંગે જ્યારે રાજીનામું આપનાર સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તમામ સદસ્યો ફોન નાથી ઉપાડી રહ્યા. જેને લઈને હકીકત શું છે તે હવે એક રહસ્ય બની ગયું છે.
ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો
મહત્વનું છે સોજીત્રા વિધાનસભા કોંગ્રેસ હસ્તક છે. ભાજપ આ વિધાનસભા બેઠક થોડા જ મતોથી છેલ્લા બે ટર્મથી હારી રહી છે. જેને લઇને સોજીત્રા વિધાનસભા બેઠક પર ભાજપે સંગઠન મજબૂત બનાવ્યું છે. પરંતુ આજે એકાએક 5 સભ્યોએ ભાજપની નીતિથી કંટાળીને રાજીનામાં ધરી દીધા. જેને લઈને સોજીત્રા નગરપાલિકા માં ભાજપના સભ્યોમાં અંદરો અંદર મતભેદ હોય તેમ હવે આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. આ સાથે સદસ્યો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમે ભાજપમાં જ છીએ અને હજુ રાજીનામું પરત લેવામાં આવ્યું નથી.
ADVERTISEMENT