Rajkot Congress Leader Video: રાજકોટ ખાતે TRP ગેમ ઝોન પાસે ગતરોજ કોંગ્રેસની સંવેદના સભા યોજાઈ હતી. આ દરમિયાન દિપ્તિબેન વઘાસિયા સહિત 50 મહિલાઓ ભાજપને અલવિદા કહીને કોંગ્રેસમાં જોડાઈ હતી. તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ દિપ્તીબેનને માઈકમાં બોલવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ભાંગરો વાટ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચી હતી રાજકોટ
વાસ્તવમાં ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાં પોતાના વ્હાલસોયા સ્વજનને ગુમાવનાર પીડિત પરીવારને ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાય યાત્રા ગત 9 ઓગસ્ટના રોજ મોરબીથી શરૂ થઈ હતી. જે ગઈકાલે મોરબીથી રાજકોટ પહોંચી હતી.
કોંગ્રેસ નેતાની સ્પીચ સાંભળી બધા હસવા લાગ્યા
રાજકોટ ખાતે TRP ગેમ ઝોન પાસે સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસમાં જોડાયેલા દિપ્તિબેન વઘાસિયાએ સ્ટેજ પરથી એવી સ્પીચ આપી કે સભામાં હાજર તમામ લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા. તેમણે માઈકમાં જણાવ્યું હતું કે, 'અમે ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં જોડાયા છીએ' આટલું બોલતા જ સભા સ્થળે બધા હસી પડ્યા હતા. તો કોંગ્રેસના નેતાઓ પણ વિચારવામાં પડી ગયા હતા.
વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
'અમે ભાજપમાં ભ્રષ્ટાચાર કરીને આવ્યા છીએ..' એવું બોલતા જ તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. હવે અહીં સવાલ એ થાય છે કે શું દિપ્તિબેન ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને અમે કોંગ્રેસમાં જોડાયા છીએ એવું બોલવા જતા હતા કે પછી ખરેખર હૈયે હતું એ હોઠે આવી ગયું?
ઈનપુટઃ રોનક મજીઠીયા, રાજકોટ
ADVERTISEMENT