Rahul Gandhi on EVM : લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આ મુદ્દો ગાયબ થઈ ગયો હતો. જો કે સમયાંતરે નેતાઓએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જે મુદ્દો અચાનક ગાયબ થઈ ગયો હતો તે ફરી ચર્ચામાં આવે તેમ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઈવીએમને લઈને સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
ભારતમાં EVM એક "બ્લેક બોક્સ" છે : રાહુલ ગાંધી
વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કની X પોસ્ટને રિપોસ્ટ કરતા રાહુલ ગાંધીએ એક અખબારનો હવાલો આપીને કહ્યું કે, 'ભારતમાં EVM એક "બ્લેક બોક્સ" છે અને કોઈને તેને તપાસવાની મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી ઢોંગ બની જાય છે અને છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.
મુંબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં મુંબઈની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે મુંબઈ પોલીસે EVMને લઈને શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મંગેશ પાંડિલકર પર પ્રતિબંધ હોવા છતાં મુંબઈના ગોરેગાંવ ચૂંટણી કેન્દ્રની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો આરોપ છે.
આ સિવાય પોલીસે પાંડિલકરને મોબાઈલ ફોન આપવા બદલ ચૂંટણી પંચના એક કર્મચારી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે, આ કેસમાં પોલીસને ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડનારા ઘણા ઉમેદવારોની ફરિયાદો મળી હતી. જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. રવિન્દ્ર વાયકર પુનઃ ગણતરી બાદ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી માત્ર 48 મતોથી ચૂંટણી જીત્યા હતા, જેના કારણે ઘણો વિવાદ થયો હતો.
તમને જણાવી દઈએ કે, શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર 48 મતોથી જીત્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં આ સૌથી ઓછા અંતરથી મળેલી જીત છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા EVMને લઈને એલન મસ્કની ચેતવણી
વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એલોન મસ્ક સતત ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક તેઓ કંપનીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ પાસેથી પૈસા પાછા માંગીને હેડલાઇન્સ બનાવે છે, તો ક્યારેક અન્ય કારણોસર. હવે મસ્કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે શનિવારે એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, EVM હેક થઈ શકે છે અને તેને ખતમ કરી દેવું જોઈએ. આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી EVM હટાવવાની માંગ કરી હતી.
મસ્કે X પોસ્ટ કરી હતી
હકિકતમાં મસ્કે યુએસ પ્રમુખપદની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમથી ન કરાવવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા સાઈટ X પર લખેલી પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે, 'ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને નાબૂદ કરી દેવા જોઈએ. માનવીઓ અથવા AI દ્વારા તેને હેક થવાનું જોખમ છે, જો કે આ જોખમ ઓછું છે, તે હજી પણ ઘણું વધારે છે.'
એલોન મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ કેનેડી જુનિયરની પોસ્ટ શેર કરતા આ વાત કહી. રોબર્ટ એફ. કેનેડીએ તેમની પોસ્ટની શરૂઆતમાં પ્યુર્ટો રિકોમાં ચૂંટણી દરમિયાન ઈવીએમમાં થયેલી ગેરરીતિઓ વિશે લખ્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ કેનેડી જુનિયરે એસોસિએટેડ પ્રેસને ટાંકીને પોસ્ટમાં લખ્યું છે કે, પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી સંબંધિત વોટિંગમાં ઘણી ખામીઓ સામે આવી છે. ઠીક છે, એક પેપર ટ્રેલ હતું, તેથી સમસ્યા પકડાઈ અને મત ગણતરીમાં સુધારો થયો.
ADVERTISEMENT