અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે ગુજરાતની રાજનીતિને અલગ જ રંગ લાગવા લાગ્યો છે. આજે ગુજરાત આમ આમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી છે. આ મામલે રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે, લોખંડી પુરુષના વંશજ ગોપાલ ઇટાલિયા ભાજપની જેલથી ડરતા નથી.
ADVERTISEMENT
ઇટાલિયા હસતા હસતા ફાંસીએ લટકી જશે
રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાજપ સરકાર ગોપાલ ઇટાલિયાથી સખત નફરત કરે છે. રોજ એમના વિરુદ્ધ નકલી વિડીયો શેર કરે છે અને નિરાધાર આરોપ લગાવે છે અને નિરાધાર FIR પણ કરે છે. અને આજે આખરે ભાજપે ગોપાલ ઇટાલિયાની દિલ્હી બોલાવીને ધરપકડ કરી લીધી. ગોપાલ ઇટાલિયા સરદાર વલ્લભભાઈ પટેલના સમાજથી આવે છે અને તેમના વંશજ છે. સરદાર પટેલ અંગ્રેજોથી ડર્યા ન હતા અને મજબૂતીથી અંગ્રેજોનો સામનો કર્યો હતો. એ લોખંડી પુરુષના વંશજ ગોપાલ ઇટાલિયા ભાજપની જેલથી ડરતા નથી. જો ભાજપ ગોપાલ ઇટાલિયાને ફાંસીએ લટકાવી દેશે તો ગોપાલ ઇટાલિયા હસતા હસતા ફાંસીએ લટકી જશે.
સમગ્ર પાટીદાર સમાજનું અપમાન
રાઘવ ચઢ્ઢાએ ડ્રગ્સનો મુદ્દો લાવતા કહ્યું કે, હું આજે ભાજપને પૂછવા માગું છું કે ગોપાલ ઇટાલિયાનો ગુનો શું છે? શું એમનો એ અપરાધ છે કે તેઓ પાટીદાર છે? શું એમનો એ અપરાધ છે કે તેઓ પાટીદાર યુવા નેતા તરીકે ગુજરાતમાં ઊભરી રહ્યા છે? શું એમનો એ અપરાધ છે કે તેઓ પાટીદાર સમાજનો અવાજ ઉઠાવી રહ્યા છે? શું એમનો એ અપરાધ છે કે તેઓ બેરોજગારી, મોંઘવારી, ગલી ગલીમાં મળતા દારૂ અને ડ્રગ્સ પર બાબતે ભાજપને સવાલ કરી રહ્યા છે? આજે એવું લાગી રહ્યું છે કે ભાજપ સમગ્ર પાટીદાર સમાજ સાથે બદલો લઈ રહી છે. ગોપાલ ઇટાલિયાની ધરપકડ ફક્ત એક આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ નથી પરંતુ સમગ્ર પાટીદાર સમાજનું અપમાન છે. સમગ્ર ગુજરાતના લોકો ગુસ્સે છે.
ભાજપ ડરી ગઈ છે.
હું પૂછવા માગું છું કે જ્યારથી નેશનલ કમિશન ફોર વુમનની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી શું એક પણ વ્યક્તિની ધરપકડ થઈ? આ ધરપકડ દર્શાવે છે કે ભાજપની આમ આદમી પાર્ટીથી અત્યંત ડરી ગઈ છે. આ ધરપકડથી સાબિત થઈ ગયું કે પાટીદાર સમાજ માટે ભાજપની શું ભાવના છે. એક સામાન્ય અને ગરીબ પાટીદાર પરિવારમાંથી આવતા અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવનાર ગોપાલ ઇટાલિયાને રોકવા માટે આ ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ એક નેતાની નથી પરંતુ એક સમાજ પર પ્રહાર છે. આ ધરપકડ દર્શાવે છે કે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની વધતી લોકપ્રિયતાથી ભાજપ ડરી ગઈ છે.
ADVERTISEMENT