અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક રાજકીય પક્ષો સક્રિય થયા છે. ગુજરાતમાં દેશભરમાંથી દિગ્ગજ નેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. રાજ્યના રાજકારણના સમીકરણો બદલવાના પ્રયાસો થવા લાગ્યા છે. ભાજપ સત્તા ટકાવી રાખવાની રણનીતિ ઘડી રહી છે તો કોંગ્રેસ અસ્તિત્વની લડાઈ લડશે જ્યારે આમ આદમી પાર્ટી પંજાબ બાદ ગુજરાતમાં પણ સરકાર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. સુરતના એક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.
ADVERTISEMENT
પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સંસદ સભ્ય સીઆર પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરવાનો એક પણ મોકો ચુકતા નથી. આજે પણ સુરતના એક કાર્યક્રમમાં કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે. અહી એક રૂપિયોને દસ પૈસા જેવો એક દિવસનો પાણીનો ભાવ થાય છે. આટલું સસ્તું ટ્રીટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી. એટલે કોઈ અમને મફત પાણી આપવાની લાલચ ન આપો. એક ભાઈ આવી ને કહે છે કે અમે ફ્રીમાં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે કેમ તેની કોઈ ગેરેન્ટી આપતા નથી. આ તો ચાઇનીઝ માલ જેવુ છે. ધોયા તો રોય. વિશ્વાસ કરશો તો ફસાઈ જશો.
પાટિલે રોજગારી મુદે પણ કેજરીવાલને ઘેર્યા
કેજરીવાલે કરેલી જાહેરાતો બાબતે પાટિલે નિશાન સાધતા કહ્યું કે, ગુજરાતના યુવાનોને લાલચ આપવાની વાત કરી છે. રોજગારીની લાલચ આપીશ. વચન આપીને તેઓ કવી રીતે પાળશે. ગુજરાતના યુવાઓને પણ નોકરીની લાલચ આપી છે. સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે ત્યારે આ ભાઈ દસ લાખ સરકારી નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી. પાંચ વર્ષમાં નોકરી ડબલ કરવાની વાત કરી છે. એટલે ખોટું જ બોલવું હોય તો વધુ જ બોલવું.
ગુજરાત સૌથી મોટી રોજગારી આપતું રાજ્ય
પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટિલે ગુજરાતની રોજગારી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. કોરોના દરમ્યાન પણ સૌથી વધુ કારીગરો ગુજરાતથી ગયા હતા. અને કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા હતા. એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો. ગુજરાતી આપવા માટે હાથ લાંબો કરે છે લેવા માટે હાથ લાંબો નથી કરતાં.
ADVERTISEMENT