Gujarat Rajya Sabha BJP Candidate: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડી રહેલી ચાર બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં જે.પી નડ્ડાને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર બનાવાયા છે. આ ઉપરાંત OBC સેલના પ્રમુખ મયંક નાયક, જયવંતસિંહ પરમાર અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ભાજપની યાદીમાંથી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા બહાર કરવામાં આવ્યા છે. હવે તેમના માટે લોકસભાની ચૂંટણીનો જ વિકલ્પ બાકી રહ્યો છે.
ADVERTISEMENT
રૂપાલા-માંડવીયાને હવે શું જવાબદારી મળશે?
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો એપ્રિલમાં ખાલી પડી રહી છે. કોંગ્રેસના બે સભ્યો અને ભાજપના બે કેન્દ્રિય મંત્રીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે હાલમાં વિધાનસભામાં ભાજપના સંખ્યાબળને જોતા ચારેય બેઠકો ભાજપના જ ફાળે જાય તેવી પૂરી શક્યતા છે. જોકે નોંધપાત્ર રીતે ભાજપે પોતાની નો રીપીટ થિયરી અપનાવતા ચારેય નવા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને વર્તમાન સાંસદો પુરુષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવિયાનું યાદીમાંથી બહાર કરી નાખ્યું છે. હવે જોવાનું રહેશે કે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણીમાં ભાજપ ટિકિટ આપીને ચૂંડણી લડાવશે કે પછી અહીં પણ નો-રીપિટ થીયરી લાવીને નવા જ ચહેરાઓને મેદાનમાં ઉતારીને સૌ કોઈને ફરી એકવાર ચોંકાવશે.
ક્યારે યોજાશે રાજ્યસભાની ચૂંટણી?
રાજ્યસભાની કુલ 245 બેઠકોમાંથી 56 બેઠકો પર સભ્યોનો કાર્યકાળ પૂરો થતા તેના પર ચૂંટણી યોજાવાની છે. 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી અને મતગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે 8થી 15 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય આપવામાં આવ્યો છે અને 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચી શકે છે.
ADVERTISEMENT