ભારતીય જનતા પાર્ટીના સહયોગી પક્ષો, જે હિન્દી ભાષી ક્ષેત્રોમાંથી છે, હવે બીજા રાજ્યોમાં પણ પોતાનો દબદબો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. JDU, LJP (R) અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ કહ્યું છે કે તેઓ ભાજપની સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેમની વાત માનવામાં નહીં આવે તો તેઓ એકલા ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે.
ADVERTISEMENT
ઝારખંડમાં ચૂંટણી લડશે JDU
લોકસભામાં ભાજપની બીજી સૌથી મોટી સહયોગી પાર્ટી JDU ભાજપ સાથે મળીને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડશે. JDU પૂર્વોત્તરમાં પણ ચૂંટણી લડે છે અને તેના વિસ્તરણના સંદેશને આગળ ધપાવવા માટે દિલ્હીમાં નિયમિતપણે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકો પણ યોજે છે. બિહારના મંત્રી અને ઝારખંડમાં JDUના પ્રભારી અશોક ચૌધરીએ કહ્યું, 'અમારા કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા ભાજપ સાથે સીટોની વહેંચણી અંગે વાતચીત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અગાઉ પણ અમારા ધારાસભ્યો ઝારખંડમાં રહ્યા છે કારણ કે ત્યાં અમારો જનાધાર છે.' તેમણે કહ્યું કે ત્યાં 22% કુર્મી મતદારો અને 10% બિહારી મતદારો છે, જેમના પર અમારા નેતા નીતિશ કુમારનો સીધો પ્રભાવ છે.
10 સીટો પર ચૂંટણી લડી શકે છે JDU
જોકે, તેમણે સીટોની સંખ્યા જાહેર કરી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે જેડીયુ ઝારખંડમાં લગભગ 10 સીટો પર ચૂંટણી લડી શકે છે. જમશેદપુર પૂર્વના અપક્ષ ધારાસભ્ય સરયુ રાય, જેમણે પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસને હરાવ્યા હતા અને હવે જેડીયુમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું છે કે તેઓ એનડીએના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડશે. રાયે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને પણ JDUમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.
ચિરાગ પાસવાનની એલજેપી પણ કરી રહી છે તૈયારી
ભારતીય જનતા પાર્ટીનો વધુ એક સાથી પક્ષ LJP(R) પણ ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. પાર્ટીએ રવિવારે રાંચીમાં તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજવામાં આવી છે, જ્યાં ચિરાગ પાસવાનને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરીથી પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. એલજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા ધીરેન્દ્ર કુમાર મુન્નાએ જણાવ્યું કે, "અમે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છીએ અને તેના પર રવિવારે નિર્ણય લેવામાં આવશે. આ એક કારણ છે કે અમે અહીં અમારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી રહ્યા છીએ. અહીં એક વિશાળ સમર્થન આધાર છે અને એવા યુવાનો છે જેઓ ચિરાગ પાસવાનને પોતાના નેતા માને છે."
રાજભરની પાર્ટીએ પણ મુંબઈમાં યોજ્યું સંમેલન
21-22 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશના મંત્રી ઓમ પ્રકાશ રાજભરના નેતૃત્વમાં SBSPએ ઉત્તર પ્રદેશની બહાર પોતાનું પહેલું રાષ્ટ્રીય અધિવેશન (સંમેલન) મુંબઈમાં યોજ્યું હતું. બે દિવસીય સંમેલન દરમિયાન પાર્ટીએ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડવાનો અને રાજ્યમાં ઉત્તર ભારતીય મતોને સાધવાનો નિર્ણય લીધો. SBSPના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ રાજભરે કહ્યું કે અમારી પાર્ટી ઉત્તર પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર અને દિલ્હીમાં ચૂંટણી લડશે. અમે ઉત્તર ભારતીયોના મુદ્દા ઉઠાવીશું અને જોઈશું કે મહારાષ્ટ્રમાં કેટલી સીટો જીતી શકીએ છીએ.
ADVERTISEMENT