પહેલીવાર જાહેર મંચ પર દેખાશે મુમતાઝ અહેમદ પટેલ, કરી શકે છે મહત્વની જાહેરાત

અમદાવાદ : કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટે ગ્રાઉન્ડ વર્ક કરી રહ્યાં છે. જો કે અહેવાલો અનુસાર, મુમતાઝ…

gujarattak
follow google news

અમદાવાદ : કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટે ગ્રાઉન્ડ વર્ક કરી રહ્યાં છે. જો કે અહેવાલો અનુસાર, મુમતાઝ પટેલ ગમે ત્યારે સક્રિય રાજકારણમાં ઉતરવા અંગેની જાહેરાત કરી શકે છે, પરંતુ હજુ સુધી તેઓ મીડિયાથી દુર જ રહ્યા છે અને કોઇ પણ પ્રકારની અધિકારીક ટિપ્પણી કે કાર્યક્રમમાં હાજર રહેવાનું ટાળે છે. જાહેર કાર્યક્રમોથી અંતર જાળવતા મુમતાઝ પટેલ પહેલી વખત GUJARAT TAK દ્વારા આયોજીત કાર્યક્રમ “બેઠક” માં હાજરી આપશે. પોતાના પ્રથમ જાહેર કાર્યક્રમમાં તેઓ રાજકીય ડેબ્યું અંગે પણ ખુબ જ મહત્વની જાહેરાત કરી શકે છે.

ઉદ્યોગપતિ ઈરફાન સિદ્દિકી સાથે લગ્ન થયા બાદ મુમતાઝ પટેલ જો કે જાહેર જીવનથી દુર જ રહ્યા હતા. હાલમાં ઈડીએ ઈરફાન સિદ્ધિકીના ઘર તથા ઓફીસ પર દરોડા પાડ્યા હતા. ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકના એક ફ્રોડ કેસમાં ઈડીએ ઈરફાન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મની લોન્ડ્રિંગ કેસમાં ઈરફાન સિદ્દિકીએ નવી દિલ્હીમાં ઈડી ઓફિસમાં નિવેદન નોંધાવ્યું હતું. હાલમાં પણ આ કેસ ચાલી રહ્યો છે.

રાજકારણમાં જોડાવા અંગે સંકેત આપ્યા
મુમતાઝ પટેલ મહિલાઓ અને યુવાનો સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. મુમતાઝ પટેલ તેના હોમ ગ્રાઉન્ડ ભરૂચમાં લોકો સાથે ધીમે ધીમે લોકોની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરી રહી છે. જે આગળ જતાં રાજકીય રીતે સક્રિય થઇ શકે છે. મુમતાઝ પટેલ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈના માટે પ્રચાર નહીં કરે હાલમાં કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાના પાટીદારો વિરુદ્ધના નિવેદન પર સ્ટેન્ડ લેતા, મુમતાઝ પટેલે ટ્વિટ કર્યું હતું કે, કોંગ્રેસ પક્ષ તમામ સમુદાયો અને ધર્મોમાં વિશ્વાસ ધરાવે છે. તેના નેતૃત્વએ હંમેશા તમામ સમુદાયોનું સન્માન કર્યું છે. નેતૃત્વ એ ભૂલવું જોઈએ નહીં કે પાટીદારો સમાજનો એક ભાગ છે, લોકોને કોંગ્રેસ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ અને આશા છે.

મહત્વની જાહેરાત કરશે
મુમતાઝ પટેલ છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પર વધુ સક્રિય જોવા મળે છે. મુમતાઝ પટેલ તેમના પિતા અહેમદ પટેલના સામાજિક કાર્યો સાંભળી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ પર ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા. ગુજરાત સરકારની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) તેના સોગંદનામામાં દાવો કર્યો છે કે, અહેમદ પટેલે તત્કાલિન ભાજપ સરકારને તોડવાના કાવતરા માટે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. SITના આ દાવા પર અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે વળતો પ્રહાર કર્યો હતો. મુમતાઝે ટ્વીટ કરીને કહ્યું કે, તેમના પિતાના નામમાં હજુ પણ વજન છે. તેથી જ વિપક્ષ તેમના નામનો ઉપયોગ કરી રહ્યો છે. જો આરોપો સાચા હોય તો યુપીએ સરકારમાં તિસ્તા સેતલવાડને રાજ્યસભાના સાંસદ કેમ ન બનાવવામાં આવ્યા? તેમણે એમ પણ પૂછ્યું કે આ સરકારે 2020ના અંત સુધી આટલા મોટા ષડયંત્રની તપાસ કેમ ન કરી? કોંગ્રેસમાં ગાંધી પરિવાર બાદ બીજું સ્થાન ધરાવતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ GUJARAT TAK દ્વારા આયોજીત કાર્યક્રમ “બેઠક” માં ભાગ લેશે અને સક્રિય રાજકરાણમાં જોડાવા અંગે મહત્વની જાહેરાત કરી શકે છે.

    follow whatsapp