Politics news: નર્મદા જિલ્લામાં 'અસલી-નકલી આદિવાસી'ના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. આ વચ્ચે હવે 'મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજના આગેવાન હશે તો ‘ભારત બંધ’માં જોડાશે, નકલી આદિવાસી હશે તો નહીં જોડાય'ના ડેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાના તાજેતરના નિવેદન પર મનસુખ વસાવાએ સણસણતો જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આપ્યો જવાબ
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આકરો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના રાજકીય રોટલા હંમેશા આદિવાસી સમાજના નામે શેકતા રહે છે. આજે પણ તેમણે એક પત્રકાર પરિષદ યોજીને આ જ કામ કર્યું છે. અનામતના મુદ્દે યોજેલી આ પત્રકાર પરિષદમાં તેમણે ભારત બંધના એલાનનો ઉલ્લેખ કરતા મારૂં નામ જોડીને કહ્યું કે, મનસુખ વસાવા આ બંધના એલાનને સમર્થન નહીં આપે તો તેમને આદિવાસી સમાજ વિરોધી ગણીશું.
ચૈતર વસાવાના નિવેદનને હું વખોડી કાઢું છુંઃ મનસુખ વસાવા
આ બાબતે મારે ચૈતર વસાવાને જવાબ આપવો છે કે મારા માટે નિવેદનો આપવાની તમારે જરૂર નથી. આદિવાસીઓના હક્કો અને અધિકારો માટે સૌથી વધારે રાજ્ય સરકાર કે ભારત સરકારમાં કાર્યક્રમ તેમજ રજૂઆતો પણ મારી જ રહી છે. આદિજાતીના ખોટાં પ્રમાણપત્ર બાબતે પણ સૌથી વધારે કાર્યક્રમો અને રજૂઆતો મારી જ રહી છે. આજે ચૈતર વસાવા મારા માટે જે નિવેદનો આપે છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. તેમના આ પ્રકારના નિવેદનો માત્રને માત્ર રાજકીય સ્ટંટબાજી છે અને એક પ્રકારનું નાટક છે.
'સમાજમાં મને નીચો પાડવાનો કરે છે પ્રયાસ'
મનસુખ વસાવાએ લખ્યું છે કે, આ પહેલાં પણ ચૈતર વસાવાએ કેવડીયાના એક કાર્યક્રમ માટે પણ મને પૂછ્યા વગર મારા નામની જાહેરાત કરી દીધી હતી કે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહેવાના છે. જો ચૈતર વસાવાને ખરેખર અમારા સમર્થનની જરૂર હોય તો અમારી સાથે પરામર્શ કરવી જોઈએ. સમાજના બધાં આગેવાનો સાથે મીટિંગ કરવી જોઈએ. ડૉ. બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓના ઉદ્ધાર માટે જે બંધારણ બનાવ્યું છે તેનો ભાજપ સરકાર પૂર્ણ રીતે અમલ કરે જ છે અને અમારા આદરણીય નેતાઓ પણ કરે છે. જેના માટે કટીબદ્ધ પણ છે ચૈતર વસાવા આવાં પ્રકારના નિવેદનો આપીને દરેક મુદ્દાને રાજકીય રંગ આપવાનો અને સમાજમાં મને નીચો પાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સમાજના લોકોને ખબર જ છે કે તેમના માટે કોણ કામ કરી રહ્યું છે.
'હું સમાજ માટે બલિદાન આપવા તૈયાર જ છું'
સમાજને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમાજના હક્ક અને અધિકાર માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા હું તૈયાર છું. સમાજના સર્વ આગેવાનોનોને મારી નમ્ર અપીલ છે કે આવા જૂઠ્ઠાં લોકોની વાતોમાં આવશો નહીં તેવું મનસુખ વસાવાએ જણાવ્યું છે.
ચૈતર વસાવાએ શું કહ્યું હતું?
અલકાપુરી સ્થિત સર્કિટ હાઉસ ખાતે રવિવારે સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાં એસસી.એસટીને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ અપાયેલા ભારત બંધના એલાનમાં આદિવાસી સમાજે ટેકો જાહેર કરીને બંધમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેવામાં ડેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે,મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજના આગેવાન હશે તો ‘ભારત બંધ’માં જોડાશે, નકલી આદિવાસી હશે તો નહીં જોડાય. ત્યારે હવે આ મામલે મનસુખ વસાવાએ સણસણતો જવાબ આપ્યો છે.
ADVERTISEMENT