Modi Cabinet First Decision : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 હશે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા. તો આજે (10 જૂન) મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં પહેલો મોટો નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
મોદી કેબિનેટની બેઠકમાં લેવાયો પહેલો મોટો નિર્ણય
મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ પહેલા 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા હતા. વડાપ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી તેમણે આ કાર્યકાળની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. PM મોદીએ સોમવારે ઔપચારિક રીતે વડાપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત લગભગ 20 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
પીએમ મોદીએ કિસાન નિધિનો 17મો હપ્તો બહાર પાડ્યો
PM કિસાન નિધિનો 17મો હપ્તો બહાર પાડ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું કે, 'અમારી સરકાર દેશભરના અમારા ખેડૂત ભાઈ-બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મારા માટે સૌભાગ્યની વાત છે કે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મને તેમના માટે પહેલું કામ કરવાની તક મળી છે. આ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તા સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે. આવનારા સમયમાં અમે ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના ઉત્થાન માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
ADVERTISEMENT