ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ક્લાઇમેટ ચેન્જ પરની ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યએ ચાંદની રાત્રિ વખતે સ્ટ્રીટ લાઈટને 15 દિવસ બંધ રાખવા માટે સૂચન આપ્યું હતું. જ્યારે અન્ય એક ધારાસભ્યએ લગ્ન પ્રસંગમાં વાગતા DJ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
ADVERTISEMENT
ધારાસભ્યોએ કેવા કેવા સૂચનો કર્યા?
ભાજપના ધારાસભ્યએ ક્લાઈમેચ ચેન્જ તથા વન અને પર્યાવરણ વિભાગની માગણી પર ચર્ચા દરમિયાન કહ્યું કે, દર મહિનાની ચાંદની રાત્રીએ રાજ્ય સરકારે સ્ટ્રીટ લાઈટ બંધ રાખવી જોઈએ તેવું સૂચન કર્યું હતું. જ્યારે પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે રાજ્ય સરકારને સૂચન કર્યું હતું કે લગ્ન પ્રસંગમાં વગાડવામાં આવતા DJ પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તેનાથી અવાજના પ્રદૂષણ સાથે સાથે આદિવાસી સંસ્કૃતિને પણ નુકસાન પહોંચે છે. આદિવાસી ગીતો અને પરંપરાગત નૃત્યો લગ્ન પ્રસંગમાં મુખ્ય આકર્ષણ હતા જે ડીજેના કારણે અદ્રશ્ય થઈ રહ્યા છે.
ખેતર આસપાસ વૃક્ષારોપણમાં સબસિડી આપવા માંગ
આ સાથે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ખેતરની આસપાસમાં વૃક્ષારોપણ માટે સરકાર સબસિડી આપે તેવું સૂચન કર્યું હતું. તો ગેનીબેન ઠાકોરે નીલ ગાય અને જંગલી ભૂડ સહિતના પ્રાણીઓને ગીર અભ્યારણમાં ખસેડવા કહ્યું હતું જેથી તેઓ સિંહના શિકારના કામમાં આવી શકે અને બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યાનો પણ અંત આવે. હવે જોવાનું રહ્યું કે સરકાર ધારાસભ્યોની આ માગણી પર વિચારણા કરીને કોઈ નિર્ણય લેશે કે કેમ.
ADVERTISEMENT