સોમનાથ: કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખાડાવાળા હાઈવે તરફ ધ્યાન આપવાની વિનંતી કરી છે. ધારાસભ્યએ ભાવનગરથી સોમનાથ હાઈવે પર મુસાફરી કરવા વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે. સોમનાથના ધારાસભ્ય ચુડાસમાએ એક પત્ર લખીને આ આમંત્રણ આપ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સાત વર્ષ પહેલા હાઈવેને મંજૂરી આપવામાં આવી હતી. હાઈવે અધૂરો છે અને નિર્માણકાર્ય ગોકળગતિએ ચાલી રહ્યું છે. પરંતુ બાકીના રોડ પર ઘણી જગ્યાએ ખાડા છે, જેના કારણે દુર્ઘટનાઓ થઈ છે. મેં કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રીને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
કારમાં ભાવનગરથી સોમનાથ આવવા PMને આમંત્રણ
તેમણે પત્રમાં લખ્યું છે કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે અને હિરણ નદીના પુલની ગંભીર હાલતથી સોમનાથ દર્શનાર્થે આવતા લોકો અને વાહન ચાલકોની મુશ્કેલીઓને પહોંચી વળવા છેલ્લા ચાર વર્ષથી અવાર નવાર રોડ-રસ્તાને લગતા વિભાગના અધિકારીઓ અને મંત્રીઓને લેખિત રજૂઆત કરવા છ્તા કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી.
જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પવિત્ર શ્રાવણ માસ નિમિતે અથવા 27/28 ઓગષ્ટના અમદાવાદના પ્રવાસ દરમિયાન ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર કાર મારફતે દર્શન કરવા આમંત્રણ આપવામાં આવ્યું જેથી રોજ બરોજ નેશનલ હાઈવે ઉપરથી પસાર થતાં લોકોની પરિસ્થિતી વડાપ્રધાનને ખબર પડે.
રાજ્યમાં ચોમાસામાં અનેક જગ્યાએ ખરાબ રસ્તાથી લોકો ત્રાહીમામ
નોંધનીય છે કે, રાજ્યભરમાં મોટાભાગના રસ્તાની આવી જ હાલત છે. રોડ પર ખાડાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક સ્થળોએ ખરાબ રસ્તાની ફરિયાદો ઉઠી રહી છે. વારંવારની રજૂઆતો છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી. એવામાં આવા રસ્તાના કારણે અકસ્માતો થવાનું જોખમ પણ વધી જાય છે. ત્યારે સોમનાથના ધારાસભ્યની ફરિયાદોનો પણ જો ઉકેલ ન આવતો હોય તો વિચારી શકાય છે કે સામાન્ય વ્યક્તિઓની ફરિયાદોથી તંત્રના પેટનું પાણી પણ હલતું હશે કે નહીં.
ADVERTISEMENT