સુરત: રક્ષાબંધનના તહેવારનું આવતીકાલે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે રક્ષાબંધનના એક દિવસ પૂર્વે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા આજે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. કેન્દ્રીયમંત્રીએ આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રાખડી બાંધીને ભાઈ-બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
પાટીલે રાખડી બાંધનારા બહેનને તિરંગો આપ્યો
આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખને રાખડી બાંધી હતી. મંત્રી દર્શના જરદોશે સી.આર પાટીલની આરતી ઉતારીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું, આ બાદ રાખડી બાંધી હતી અને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. ત્યારે સી.આર પાટીલે પણ ભેટ સ્વરૂપે તિરંગો આપ્યો હતો તથા તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.
રાખડી બાંધ્યા બાદ શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ?
આ વિશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આજે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ અમૃત કાળની અંદર જ્યારથી હું રાજનીતિમાં છું ત્યારથી મારા મોટાભાઈ એવા અને હવે પ્રદેશ અધ્યક્ષ છે એવા સી.આર પાટીલને રાખડી બાંધીને ગર્વની લાગણી અનુભવું છું. પ્રભુ એમને ખૂબ શક્તિ આપે.
દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે, આ સાથે જ રાજ્ય તથા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી ઘર, ઓફિસ સહિતના સ્થળોએ તિરંગો લહેરાવવા દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે સી.આર પાટીલ દ્વારા રાખડી બાંધનારા કેન્દ્રીય મંત્રીને રાષ્ટ્ર ધ્વજની અમૂલ્ય ભેટ આપવામાં આવી હતી.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT