અમદાવાદ: ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગેસ સાથે આમ આદમી પાર્ટી પણ ઉતરવાની છે. એવામાં ગુજરાતની ચૂંટણીમાં આ ત્રિપાંખીયા જંગ જાવશે એવામાં આમ આદમી પાર્ટીએ 10 સીટો પરથી ઉમેદરવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ભેમાભાઈ ચૌધરી, જગમલ વાળા, સાગર રબારી, સુધીર વાઘાણી, રાજેન્દ્ર સોલંકી, ઓમ પ્રકાશ તિવારી, વશરામ સાગઠિયા અર્જુન રાઠવા, રામ ધડુક તથા શિવલાલ બારસિયાનો તક આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉતારેલા આ 10 ઉમેદવારો કોણ છે તથા તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તેના પર એક નજર કરીએ.
ADVERTISEMENT
ભેમાભાઈ ચૌધરી
દિયોદરથી આમ આદમ પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી AAPના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ છે. તેઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. બનાસકાંઠામાં તેઓ AAPના જાણીતા અને સક્રીય નેતા છે જેઓ પાણી સહિત લોકોના પાયાના પ્રશ્નો સતત ઉઠાવતા રહ્યા છે.
જગમાલ વાળા
ગીર સોમનાથ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ જગમાલ વાળાને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ પણ ગુજરાતમાં AAPના વાઈસ પ્રેસિડેન્ટ છે. જગમાલ વાળા અગાઉ વર્ષ 2012માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 23417 (14.84%) મત મળ્યા હતા. હાલમાં કોંગ્રેસના વિમલ ચુડાસમા આ બેઠક પરથી ધારાસભ્ય છે. એવામાં આગામી ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવારને પકડાર આપી શકે છે.
અર્જુન રાઠવા
આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુરમાંથી અર્જુન રાઠવાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અર્જુન રાઠવા આદિવાસી અધિકારો માટે લડતા આગેવાન છે અને તેઓ હાલમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ AAPની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને નોટાથી પણ ઓછા મત મળ્યા હતા. વર્તમાનમાં આ બેઠક કોંગ્રેસના ખાતામાં છે, ત્યારે આગામી ચૂંટણીમાં તેઓ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને ટક્કર આપી શકશે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.
સાગર રબારી
ખેડૂત એકતા મંચના પ્રમુખ અને સામાજિક આગેવાન સાગર રબારી ગત વર્ષે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમને AAPએ બહુચરાજી બેઠક પરથી ટિકિટ આપી છે. સાગર રબારી ત્રણ દાયકાથી વધુ સમયથી ખેડૂત, કૃષિ તથા જમીન સંપાદન બાબતે અલગ અલગ સમસ્યાઓને લઈને સરકાર સામે પડ્યા છે. તેમણે અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 1984માં ચુનીભાઈ વૈદ્ય સાથે ગુજરાત લોકસમિતિમાં જોડાયા હતા અને 2012 સુધી તેમાં રહ્યા હતા.
વશરામ સાગઠિયા
કોંગ્રેસના પૂર્વ નેતા વશરામ સાગઠિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં જ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેનું ફળ પણ તેમને મળ્યું છે. AAP દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી માટે તેમને રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જોકે તેમાં તેમનો 10 હજાર જેટલા મતોના અંતરથી હાર થઈ હતી. ત્યારે હવે આ વખતની ચૂંટણીમાં ફરીથી તેઓ આપની ટિકિટ પરથી લડી રહ્યા છે ત્યારે ખાસ બાબત એ રહેશે કે શું તે ભાજપના કબ્જામાં રહેલી આ બેઠક આમ આદમી પાર્ટીને અપાવી શકશે કે કેમ.
સુધીર વાઘાણી
ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ સુધીર વાઘાણીને ટિકિટ આપી છે. તેઓ હાલમાં આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે. તેઓ ગારિયાધારમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલ ચલાવે છે. ઉપરાંત કોરોનાની મહામારી દરમિયાન પણ તેમણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આઈસોલેશન સેન્ટર શરૂ કર્યું હતું. એવામાં તેમની સ્વચ્છ ઈમેજનો ફાયદો આપને આ ચૂંટણીમાં મળી શકે છે. હાલમાં આ બેઠક પર ભાજપનો કબ્જો છે. એવામાં આપ અહીં ભાજપને ટક્કર આપી શકે છે.
રાજેન્દ્ર સોલંકી
બારડોલીની વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ રાજેન્દ્ર સોલંકીને ટિકિટ આપી છે. તેઓ બારડોલી લોકસભા બેઠકના ઈન્ચાર્જ પણ છે. હાલમાં આ બેઠક પર ભાજપનો કબજો છે. પરંતુ જે રીતે દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત પકડ બનાવી રહી છે, તેને જોતા કે આગામી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપી શકે છે.
ઓમપ્રકાશ તિવારી
અમદાવાદની નરોડા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપી છે. કોંગ્રેસના આ પૂર્વ નેતા વર્ષ 2017ની ચૂંટણીમાં પણ અહીંથી જ લડ્યા હતા. જેમાં તેમનો 19 હજાર જેટલા મતોથી પરાજય થયો હતો. જોકે બાદમાં તેઓ આપમાં જોડાયા હતા. કોંગ્રેસને તેઓ નરોડા બેઠક જીતાડી શક્યા નહોતા એવામાં આપને આ બેઠક પરથી તેઓ જીતાડી શકશે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.
રામ ધડૂક
સુરતના કામરેજમાંથી આમ આદમી પાર્ટીએ રામ ધડૂકને ટિકિટ આપીને ફરીથી રિપીટ કર્યા છે. રામ ધડૂક હાલમાં પક્ષના સ્ટેટ સેક્રેટરી છે. ઉપરાંત તેઓ 2017માં પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે તેમને નોટાથી પણ ઓછા મત મળ્યા હતા. એવામાં સુરતમાં આમ આદમી પાર્ટીને તેઓ આ વખતે જીતાડી શકશે કે કેમ તેના પર ખાસ નજર રહેશે.
શિવલાલ બારસિયા
શિવલાલ બારસિયાને આમ આદમી પાર્ટીએ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે. તેઓ રાજકોટ શહેરના આપના પ્રમુખ છે તથા પક્ષના વેપારી વિંગના પણ પ્રમુખ છે. હાલમાં આ બેઠક ભાજપના નામે છે. જ્યારે 2017ની ચૂંટણીમાં AAPએ અહીંથી ગિરિશભાઈ મારવીયાને ઉતાર્યા હતા જેમાં તેમને નોટાથી પણ ઓછા મત મળ્યા હતા. ત્યારે હવે શિવલાલ બારસિયા AAPને આ સીટ જીતાડી શકશે કે નહીં તે ખાસ જોવાનું રહેશે.
ADVERTISEMENT